સુરતઃ ઓલપાડના જમીન દલાલ અંજરઅલી મલેકની સોપારી આપીને હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ ચકચારી કેસમાં સોપારી આપનારા ઈસ્માઈલ ઘોડાવાલા શેખની ધરપકડ કરી લીધી છે. પોલીસે કોર્ટ સમક્ષ આરોપીને રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ માંગ્યા જો કે કોર્ટે 5 દિવસના રિમાન્ડના આદેશ આપ્યા છે.
પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યાઃ પોલીસે અંજરની હત્યાની સોપારી આપનાર મુખ્ય સુત્રધાર ઈસ્માઇલ ઉર્ફે ઘોડાવાલા અહમદ શેખને સુરત ખાતેના કેબલ બ્રિજ ઉપરથી ધરપકડ કરી હતી. જે ધરપકડ બાદ પોલીસે રવિવારે આરોપીને ઓલપાડ કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો હતો. પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ તે સમયે આરોપીના બચાવ પક્ષના વકીલો કલ્પેશ દેસાઈ તથા ઝફર બેલાવાલાએ રિમાન્ડ અરજીનો વિરોધ કરી ઈસ્માઈલ ઘોડાવાલાના રિમાન્ડ નામંજૂર કરવા વિવિધ મુદ્દાઓની રજૂઆત કરી હતી. જો કે નામદાર કોર્ટે બંન્ને વકીલોની દલીલો ખારીજ કરી આરોપીના 5 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા હતા.