સુરત : ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં રિતિકા ગુપ્તા શહેરમાં પ્રથમ ક્રમે આવી છે. 400માંથી તેણે 352 જેટલા અંક મળ્યા છે. જ્યારે બીજા ક્રમે આવનાર વિકી પટેલે 400 માંથી 345 અંક પ્રાપ્ત કર્યા છે. બીજા ક્રમે અન્ય એક વિદ્યાર્થી જીત મેઘવાનીએ પણ 400માંથી 345 મળ્યાં છે. ત્રીજા ક્રમે પ્રાપ્તિ તેરવાડીયા છે તેણે 400માંથી 343 અંક હાંસલ કર્યા છે. ફાઉન્ડેશનની પરીક્ષા માટે રોજે 8 થી 10 કલાક વિદ્યાર્થીઓએ મહેનત કરી હતી અને સોશિયલ મીડિયાથી પણ તેઓએ દુરી બનાવીને રાખી હતી.
સોશિયલ મીડિયાથી દૂરી રાખતી હતી :સુરતમાં પ્રથમ આવનાર રિતિકા ગુપ્તાએ જણાવ્યું હતું કે તે જે પણ ભણાવવામાં આવતું હતું તે રોજે રિવિઝન કરતી હતી. જેથી પરીક્ષા વખતે કોઈ પણ પ્રકારનું ભારણ અનુભવ ન કરે. સોશિયલ મીડિયાથી પણ તે દૂરી રાખતી હતી. પિતા વેપારી છે પણ તેને રસ સીએ બનવામાં છે.
બિઝનેસ ઇકોનોમિક્સમાં 100માંથી 99 માર્કસ : સૌથી મહત્વની વાત છે કે વલસાડમાં રહેનાર વિકી પટેલ સુરતમાં સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં બીજા ક્રમે આવ્યો છે. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે સુરતના હોસ્ટેલમાં રહી તે સીએ માટેની તૈયારી કરી રહ્યો હતો. વિક્કીએ જણાવ્યું હતું કે જ્યારે તે ધોરણ 10માં ભણતો હતો ત્યારે પિતાનું અવસાન થયું હતું. માતા વલસાડમાં શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. બિઝનેસ ઇકોનોમિક્સમાં 100માંથી 99 માર્કસ મળ્યા છે.
ફોકસ રિવિઝનમાં કર્યું હતું :બીજા ક્રમે આવનાર અન્ય એક વિદ્યાર્થી જીત માગવાણીએ જણાવ્યું હતું કે, પરિવારમાં પિતા અને બહેન બંને મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. પિતા ડોકટર છે જ્યારે બેન અત્યારે મેડિકલના પ્રથમ વર્ષમાં છે. તેમ છતાં તેને સીએ બનવું છે આ માટે તે રોજે 8 થી 10 કલાક મહેનત કરતો હતો વધારે ફોકસ તેને રિવિઝનમાં કર્યું હતું. મેડિકલ ક્ષેત્રથી આવનાર લોકોના પરિવારમાંથી સીએ ખૂબ જ અલગ બાબત છે તેમ છતાં પરિવારે આ માટે સહયોગ આપ્યો હતો.
ઘરે રહીને સીએની તૈયારી ઓનલાઈન કરી: ત્રીજા ક્રમે આવનાર પ્રાપ્તિ તરવાડીયાએ જણાવ્યું હતું કે, તે વલસાડ રહે છે અને ત્યાંથી સુરત આવવું એ રોજે મુશ્કેલ હોય છે. આ માટે તે પોતાના ઘરે રહીને સીએની તૈયારી ઓનલાઈન કરી હતી. ઓનલાઇન અભ્યાસ કરી તેને ફાઉન્ડેશન ક્લિયર કર્યું છે.
- Surat News : લાખો કમાતા સીએ દીકરા પાસેથી ભરણપોષણ માટે સુરત ફેમિલી કોર્ટમાં ન્યાય માગતી માતા, થયો આ આદેશ
- CA Foundation Result: સુરતના વિદ્યાર્થીએ અત્યાર સુધીના હાઈએસ્ટ માર્ક મેળવી રચ્યો ઈતિહાસ