સુરત:શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ફરી એકવાર માનવીય સંવેદનાની પ્રતીતિ કરાવતા સરથાણા રિંગરોડ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલી મહિલાને પોતાની કારમાં બેસાડી સમયસર હોસ્પિટલ પહોંચાડી હતી. જેથી અકસ્માતમાં ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર મળી હતી. કોઈ અજાણ્યા કારચાલકે મહિલાને ટક્કર મારતા તેને હાથ, પગ અને માથા પર ઈજા થઈ હતી.
રિંગ રોડ પર મહિલાને કારે ટક્કર મારી
સુરતના સરથાણા રિંગ રોડ પર એક કારચાલકે મહિલાને ટક્કર મારી હતી. અકસ્માત બાદ મહિલા લોહીલુહાણ હાલતમાં રસ્તા પર કણસી રહી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ રોડ પર ટોળું એકત્ર થયેલું જોતા પોતાની ગાડી થોભાવી હતી. અહીં મહિલાને ઈજાગ્રસ્ત જોતા એક પણ ક્ષણની રાહ જોયા વગર પોતાના સુરક્ષાકર્મીને ઉતારી શિક્ષણ પ્રધાન પોતાના સરકારી વાહન મારફતે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ડાયમંડ હોસ્પિટલમાં જાતે લઈ ગયા હતા.