પતિએ પત્ની અને બાળકની હત્યા કરી ગળેફાંસો ખાઈ લીધો સુરતઃ લિંબાયત વિસ્તારમાં રૂસ્તમપુરા પાર્ક ખાતે રહેતા તેલુગુ પરિવારના 3 સભ્યોના સામુહિક આત્મહત્યા દરમિયાન કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા છે. પતિએ બાળક અને પત્નીને ઝેરી દવા આપી હત્યા કરી હતી અને ત્યારબાદ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
આર્થિક જીવન નબળુંઃ 38 વર્ષીય સોમેશ ભિક્ષાપતીજીલા, 32 વર્ષી પત્ની નિર્મલાબેન અને 7 વર્ષીય પુત્ર દેવ ઋષિ સાથે રુસ્તમપુરા પાર્કમાં રહેતો હતો. આજે તેમના જ ઘરમાંથી પતિ, પત્ની અને પુત્રના મૃતદેહો મળી આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર સોમેશ કારખાનામાં કામ કરીને ગુજરાન ચલાવતો હતો. સોમેશની આવક ટૂંકી હોવાથી તેની પત્ની પણ મજૂરી કામ કરીને ગુજરાન ચલાવવામાં મદદ કરતી હતી.
તમિલ ભાષામાં મળી સ્યૂસાઈડ નોટઃ આ પરિવારે સામુહિક આત્મહત્યા કરી તે અગાઉ તમિલ ભાષામાં એક સ્યૂસાઈડ નોટ પણ લખી હતી. સ્યૂસાઈડ નોટ ઉપરાંત સ્યૂસાઈડ વીડિયો પણ આત્મહત્યા પહેલા સોમેશે મોકલ્યો હતો. પોલીસને પત્રમાં જણાઈ આવ્યું કે પરિવારથી સમાજના લોકો નારાજ રહેતા હતા અને યોગ્ય વર્તન વ્યવહાર કરતા નહતા.
આ સમગ્ર મામલે એસીપી જે.ટી.સોનારાએ જણાવ્યું હતું કે, એક જ પરિવારના 3 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પ્રાથમિક અનુમાન છે કે પહેલા પત્ની અને પુત્રને ઝેરી દવા આપી હત્યા કરાઈ છે. ત્યારબાદ ગળેફાંસો ખાઈ પતિએ જીવન ટૂંકાવ્યું છે. આપઘાત પહેલા સોમેશે સાળાને ફોટો મોકલ્યો હતો. સાસુને સોરી અમ્મા મેસેજ કર્યો હતો. આ સાથે તમિલ ભાષામાં એક પત્ર પણ મળી આવ્યો છે જે અંગેની તપાસ અમે કરી રહ્યા છે.
- Surat Suicide : પાલ વિસ્તારમાં 51 વર્ષીય શખ્સે કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં પોલીસ અધિકારીના નામનો કર્યો ઉલ્લેખ
- Assam News: ટ્રાન્સજેન્ડર વકીલ પર યુવકને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો અને લગ્ન માટે દબાણ કરવાનો આરોપ છે