ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત: પાંજરે પુરાયેલા દીપડોએ સળિયો તોડી નાખ્યો, ટોળું વળેલા લોકોમાં નાસભાગ મચી ગઈ - SURAT LEOPARD BREAKS CAGE

દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતા સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. લોકોના ટોળાને જોઈને દીપડાએ ધમ પછાડા શરૂ કર્યા હતા.

દીપડાએ પાંજરું તોડી નાખ્યું
દીપડાએ પાંજરું તોડી નાખ્યું (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 10, 2025, 4:56 PM IST

સુરત: દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના જંગલ વિસ્તારમાં બહોળી સંખ્યામાં દીપડાનો વસવાટ છે. અવાર નવાર દીપડાઓ શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવતા હોય છે. ત્યારે સુરત જિલ્લાના છેવાડે આવેલા મહુવા તાલુકાના નિરાલી ગામ ખાતે છેલ્લા કેટલાક દિવસથી દીપડો આંટાફેરા મારતો હોવાની જાણ સ્થાનિકોએ વન વિભાગની ટીમને કરી હતી. જેથી મહુવા વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું.

દીપડાએ પાંજરું તોડી નાખ્યું (ETV Bharat Gujarat)

લોકો ટોળું વળતા દીપડાએ પાંજરૂં તોડી નાખ્યું
ત્યારે આ પાંજરામાં મારણની લાલચે ગત રાત્રિએ દીપડો પાંજરે પુરાઇ ગયો હતો. દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતા સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. લોકોના ટોળાને જોઈને દીપડાએ ધમ પછાડા શરૂ કર્યા હતા. જોકે ગણતરીની મિનિટોમાં જ દીપડા પાંજરાનો સળિયો તોડી બહાર નીકળી જવામાં સફળ રહ્યો હતો. દીપડો બહાર નીકળી જતા હાજર લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. હાજર લોકોએ વન વિભાગની કામગીરી સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. વન વિભાગની ટીમે ક્ષતિગ્રસ્ત પાંજરું ગોઠવ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

વન વિભાગે ઘટના પર શું કહ્યું?
પાંજરે પુરાયેલો દીપડો ભાગી જવાની ઘટનાને લઇને મહુવા વન વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી અને તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ત્યારે સમગ્ર બાબતને લઇને મહુવા RFO પ્રતિભા બેને જણાવ્યું હતું કે, દીપડો પાંજરે પુરાયો હોવાને લઇને સ્થાનિકો પહોંચી ગયા હતા. સ્થાનિકોને જોઈ દીપડા એ બહાર નીકળવા ધમ પછાડા કર્યા હતા અને સળિયો તોડી બહાર ભાગી ગયો હતો. અગાઉ જ્યારે નવા પાંજરા ગોઠવ્યા ત્યારે ઘણા લોકોએ વિરોધ કર્યો હતો અને જૂના પાંજરા જ મૂકવા અમારી ટીમને જણાવ્યું હતું.

આ પણ વાંચો:

  1. અમદાવાદની ઝેબર સ્કૂલમાં ધો.3ની બાળકીનું રહસ્યમયી મોત, છાતીમાં દુઃખાવો થતાં અચાનક બેસી ગઈ, ને પછી...
  2. અંબાલાલની આ વાતે ઉનાળા પહેલા જ માહોલ ગરમ કરી નાખ્યોઃ ઉત્તરાયણ પછી તાપમાન હાઈ

ABOUT THE AUTHOR

...view details