સુરત:શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં સરોલી બ્રિજ નીચે એક યુવકે હાથમાં ચાકુ લઇને હંગામો મચાવ્યો હતો. અસ્થિર મગજનો લાગતો આ યુવક વિસ્તારમાં ફરી રહ્યો હતો, ત્યારે ત્યાં ઉપસ્થિત બસ ચાલકોએ તેની પુછપરછ કરી હતી. પોતાની પત્ની અને બાળકોને મારી નાખ્યા હોવાની વાત કરી રહેલો આ યુવકે અચાનક આલુપુરીની લારી પર જઇને ત્યાંથી ચાકુ હાથમાં લઇને બસચાલકો પર હુમલો કરી દીધો હતો.
હિંસક થઇને ભાન ભુલેલો યુવક: તમને જણાવી દઈએ કે, સદનસીબે આ હુમલામાં કોઇને ઇજા થઇ ન હતી. એક હાથમાં ચાકુ લઇને આ યુવકે ત્યારબાદ પથ્થરો ઉપાડીને બસો પર તેમજ લોકો પર પથ્થર મારવાનું શરૂ કરી દેતા તરત 100 નંબર પર જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરાતા જ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના એએસઆઇ બચુભાઇ ગામિત ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા, અને આ હિંસક થઇ ગયેલા અસ્થિર મગજના યુવકને પકડી પાડવાની કોશીશ કરી હતી. જો કે હિંસક થઇને ભાન ભુલેલા યુવકે પોલીસકર્મીનો દંડો છીનવી લીધો હતો અને પોલીસ પર જ હુમલો કરવા લાગ્યો હતો.
હાથમાં ચાકુ લઇને યુવકે પથ્થરો ઉપાડીને બસો પર તેમજ લોકો પર પથ્થર મારવાનું શરૂ કર્યું (Etv Bharat Gujarat) યુવકે કહ્યું- 'મારી પત્ની અને બાળકોને મારી નાખ્યા':લાંબા સમય સુધી પોલીસ જવાનો આ યુવકને ચાકુ અને દંડો મુકી દેવા માટે સમજાવતા રહ્યા, પરંતુ યુવક સમજી શકે તેવી અવસ્થામાં જ લાગતો ન હતો. વારંવાર એ કહી રહ્યો હતો કે, મારી પત્ની અને બાળકોને મારી નાખ્યા છે. મહામુશ્કેલીઓથી પોલીસે આ હિંસક યુવકને પકડી પાડવામાં સફળતા મેળવી હતી અને પીસીઆરમાં બેસાડી જહાંગીરપુરા પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો.
યુવક ઉત્તરપ્રદેશનો રહેવાસી:જહાંગીર પૂરા પોલીસ મથકના પીઆઈ દશરથ રબારી તરફથી મળતી માહિતી મુજબ, આ યુવકનું નામ પ્રકાશ સિંહ છે અને તે ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. આ યુવક અંજનીમાં કામ કરતો હોવાનું કહે છે. પોલીસે યુવક વિરૂદ્ધ કાર્યવાહી કરી કામરેજ તાલુકાના ધોરણ પારડી ખાતે આવેલા આશીર્વાદ માનવ મંદિર ખાતે મોકલી આપ્યો હતો.
આ પણ વાંચો:
- જીજાજીની આ વાતનું લાગ્યું માઠું, 'સાળાએ જ બનેવીના ઘરમાં કરી લાખોના સોનાની ચોરી'- સુરત પોલીસ
- વડોદરાના જાણીતા એક્ટિવિસ્ટના આપઘાત કેસમાં પોલીસે માનીતી પુત્રી અને તેની માતાને ભાવનગરથી પકડ્યા