રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના થવી અત્યંત જરૂરી છે સુરત: છેલ્લા ઘણા સમયથી સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. જેના કારણે રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બની છે. આ પરિસ્થિતિમાંથી તેઓ બહાર આવી શકે તે માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત તેમજ ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા સરકારમાં રજૂઆતો કરાઈ છે. જેમાં રત્ન કલાકારો માટે ખાસ આર્થિક પેકેજ અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચનાની માંગણીનો સમાવેશ થાય છે. આ માંગણીઓ શ્રમ અને રોજગાર પ્રધાન બળવંત સિંહ રાજપુતને આવેદન પાઠવીને કરવામાં આવી હતી. આ માંગણીઓને જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના વેસ્ટન ઝોન ચેરમેન વિજય માંગુકિયાએ પણ સમર્થન આપ્યું હતું.
7 લાખ રત્ન કલાકારોઃ સુરતમાં 7 લાખ રત્ન કલાકારો હીરા ઘસી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ હોવાથી આ રત્ન કલાકારો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે આપેલ માહિતી અનુસાર છેલ્લા 8થી 10મહિનામાં મંદીના કારણે 38 રત્ન કલાકારોએ આપઘાત કર્યો છે. તેમજ અત્યારે લાખો રત્ન કલાકારો આર્થિક મુશ્કેલીમાં છે. આ પરિસ્થિતિમાં રત્ન કલાકારોને સરકાર મદદ કરે તે જરુરી છે.
હીરાના અનેક કારખાના બંધઃ ડાયમંડ વર્કર યુનિયનના સુરત પ્રમુખ ભાવેશ ટાંગે જણાવ્યું હતું કે, હાલ મંદીના કારણે હીરા ઉદ્યોગની સ્થિતિ કફોડી છે છેલ્લા ઘણા સમયથી આવી પરિસ્થિતિના કારણે રત્ન કલાકારોની પણ સ્થિતિ દયનીય બની છે. દિવાળી વેકેશન નિર્ધારિત સમય કરતા મોડા ખુલ્યા છે. મંદીના કારણે ઘણા નાના મોટા કારખાના પણ બંધ થઈ ગયા છે. અનેક રત્ન કલાકારો બેરોજગાર થયા છે. 38 જેટલા કારીગરોએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. આ પરિસ્થિતિમાં રત્ન કલાકારોને આર્થિક મદદ મળી રહે તે માટે અમે બળવંત સિંહ રાજપુતને રજૂઆત કરી. બળવંત સિંહ રાજપુતે અમારી રજૂઆતો સાંભળી છે અને યોગ્ય પ્રતિસાદ પણ આપ્યો છે.
માંગણીઓઃ ભાવેશ ટાંગે પોતાની માંગણીઓમાં રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ, આપઘાત કરનાર રત્ન કલાકારોના પરિવારને આર્થિક મદદ, વ્યવસાય વેરાની નાબૂદી, આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના શરૂ કરવાની રજૂઆતો કરી છે.
- સુરત ડાયમંડ બુર્સ વિવાદમાં બાંધકામ કંપનીએ કહ્યુ 538 કરોડ રૂપિયા બાકી, બુર્સના ટ્રસ્ટીઓનું જુદું નિવેદન
- Surat News : સુરત ડાયમંડ બુર્સ શરુ થાય તે પહેલાં જ વિવાદ, બીડીબી અને એસડીબીમાં ફાંટા પડી જતા પત્ર યુદ્ધ શરુ