સારવાર દરમિયાન યુવકનું મોત સુરત : માંગરોળ તાલુકાના છમુછલ ગામે તારીખ સાતમીના રાત્રિના સમયે અને તેની કંપનીની સામે જ બે અજાણ્યા ઈસમોએ યુવકને ઢોરમાર મારતા તેની હાલત ખરાબ થઈ હતી. જે બાદ તેણે પોતાના મિત્રને બોલાવી પહેલા રૂમ પર ગયો હતો અને ત્યાંથી વધુ તબિયત બગડતા પોતાના મિત્ર સાથે નવી સિવિલ હોસ્પિટલ સારવાર કરાવવા દાખલ થયો હતો. જોકે સારવાર દરમિયાન યુવકનું મોત થતાં કોસંબા પોલીસે પીએમ કરાવી હત્યાની આશંકા સાથે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.
ગત સાત તારીખે મારામારીની ફરિયાદ પોલીસ મથકે લેવામાં આવી હતી. હાલ ઇજાગ્રસ્ત શ્રમજીવીનું સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસ દ્વારા જરૂરી પુરાવાઓ ભેગા કરી હત્યાનો ગુનો દાખલ કરવામાં આવશે...ડી. વી. રાણા (કોસંબા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ )
શું હતો મામલો : માંગરોળ તાલુકાના છમુછલ આવેલા ઔદ્યોગિક એકમોમાં આવેલી ઓરીલોન કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા રાજુ મંડળને તારીખ સાતમીએ રાત્રિના 08:30 વાગ્યા સુમારે બે અજાણ્યા ઈસમો એ કંપનીની બહાર પેટના ભાગે માર મારી ગાળો આપી જપાજપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અજાણ્યા બે ઇસમો દ્વારા રાજુ મંડળને માર મારવામાં આવતા તેને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને રાત્રિના સમયે તેણે પોતાના મિત્ર ધર્મેન્દ્ર શાહને ફોન કરી તેને કંપની પાસે લેવા માટે બોલાવ્યો હતો.
મિત્રએ બીજે દિવસે દાખલ કરાવ્યો : ધર્મેન્દ્રએ તેને લઈ તેના રૂમ પર સ્કીમ ચાર રસ્તા સોમનાથ સોસાયટીમાં છોડ્યો હતો. તારીખ આઠમીના સાંજના છ વાગ્યાના અરસામાં ફરી રાજુએ પોતાના મિત્ર ધર્મેન્દ્રને ફોન કરીને પેટના ભાગે ઘણું દુખતું હોય અને તું મને લેવા આવ અને મને કોઈ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર આમ જણાવતા ધર્મેન્દ્ર તેના રૂમ પર પહોંચ્યો હતો. તેને પોતાની ગાડીમાં લઇ જઇ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં હાલ સારવાર દરમિયાન રાજુ મંડળનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જે અંગેની જાણ કોસંબા પોલીસને કરવામાં આવતા કોસંબા પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને મૃતકની લાશનો કબજો લઈ તેનું પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. હત્યાની આશંકાએ પોલીસે પીએમ કરાવી પી.એમ રિપોર્ટના આધારે હત્યાનો ગુનો દાખલ કરાશે.
- Surat Crime News: અત્યંત ચકચારી દલાલ હત્યા કેસમાં આરોપી ઈસ્માઈલના 5 દિવસના રિમાન્ડના આદેશ
- Navsari Crime News: અત્યંત ચકચારી ગણદેવી હત્યા કેસનો મુખ્ય આરોપી દમણથી ઝડપાયો