સુરત: સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં સચીન કપલેથા ચેક પોસ્ટ પરથી 55.48 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપાયેલી ત્રિપુટીને પોલીસે કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસની તપાસમાં સૈયદપુરાના પેડલર શાહનવાઝે આરોપીઓને ડ્રગ્સ લેવા મુંબઈ મોકલ્યા હતા. શાહનવાઝે આ યુવકોને ડ્રગ્સના રવાડે ચઢાવ્યા હતા. પકડાયેલા યુવકોએ ઉધાર ખરીદેલાં ડ્રગ્સના નાણાં પરત કરવા અને ઝડપથી રૂપિયા કમાવીને હાઈફાઈ લાઈફ સ્ટાઈલ સંતોષવા ડ્રગ્સની ખેપના રવાડે ચઢાવ્યાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી.
ઉધારના ડ્રગ્સનું દેવું ચૂકવવા પેડલર બન્યા
શહેરના સચીન કપલેથા પાસે હોન્ડા સીટી કારને આંતરી ઈરફાન મહંમદ ખાન પઠાણ, મહંમદ તૌસીફ ઉર્ફે કોકો મહંમદ રફીક શાહ અને અસફાક ઇરશાદ કુરેશીને પકડી લેવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી 554.82 ગ્રામ એમ.ડી ડ્રગ્સનો જથ્થો કબજે કરાયો હતો. એમ.બી.એ.ના વિદ્યાર્થી તથા કાપડના વેપાર સાથે સંકળાયેલાં આ યુવાનોએ રિમાન્ડ દરમ્યાન કબુલાત કરી હતી કે તેઓ સૈયદપુરાના પેડલર શાહનવાઝ ઉર્ફે અબ્દુલ કાલીયા પાસેથી ડ્રગ્સ ખરીદતા હતા. ક્યારેક તે તેમને ઉધાર માલ આપતો હતો. ઉધારનું દેવું ચૂકવવા અને હાઈફાઈ લાઇફ સ્ટાઇલ માટે ઝડપથી નાણાં આ ધંધામાંથી મળશે તેમ કહી તેમને મુંબઈ નાલાસોપારાના અજય ઠાકુર પાસે ડ્રગ્સ લેવા મોકલ્યા હતા.