અમરેલી: સામાન્ય રીતે કોઈનું મૃત્યું થાય ત્યારે ખુબજ દુ:ખ અને શોક સાથે મૃતકની અંતિમયાત્રા કાઢવામાં આવે છે, અને તે દરમિયાન ખુબ જ આક્રંદ અને રડવું આવે અને ગમગીનીભર્યો માહોલ સર્જાય તે સ્વાભાવિક છે. પરંતુ અમરેલી જિલ્લામાં એક વૃદ્ધાના મૃત્યું બાદ કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતાં.
અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ખાણ ખીજડીયા ગામે રહેતા એક પરિવારના વૃદ્ધ મહિલાનું મૃત્યું થતાં અનોખી રીતે તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી અને આ અંતિમયાત્રાની આજે સમગ્ર પંથકમાં ચર્ચા થઈ રહી છે.
ખાણ ખીજડીયા ગામે રહેતા 101 વર્ષના વૃદ્ધા સાગરબેન હરખાણીયાનું મૃત્યુ થતાં પરિવારના સભ્યોએ તેમની બેન્ડ બાજા સાથે અંતિમયાત્રા યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં ગામલોકો અને પરિવારના સભ્યો જોડાયા હતા અને વૃદ્ધાને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.
મૃતક સાગરબેન હરખાણીયા નામના વૃદ્ધાની અંતિમ ઈચ્છા અનુસાર પરિવારે બેન્ડ બાજા અને અબીલ ગુલાલ સાથે તેમની વાજતે-ગાજતે અંતિમયાત્રા કાઢી હતી. આમ મૃત્યુ જેવો શોકનો પ્રસંગ જાણે સુખનો પ્રસંગ હોય તેવો માહોલ ગામમાં જોવા મળ્યો હતો.
સામાન્ય રીતે કોઈ લગ્નપ્રસંગમાં જોવા મળે તેવા દ્રશ્યો આ વૃદ્ધાની અંતિમયાત્રા દરમિયાન જોવા મળ્યા હતાં. ઢોલ-નગારા અને બેન્ડવાજાના તાલે ગામમાં યોજાયેલી આ અંતિમયાત્રાની લોકો પણ ચર્ચા કરી રહ્યાં છે.