સુરતઃ શહેરમાં રોજ 2500 ટન કચરો નીકળે છે અને હાલમાં તે ખજોદ સ્થિત ડિસ્પોઝલ સાઇટ પર ઠાલવવામાં આવે છે. જોકે, સુરત મહા નગર પાલિકાની કચરો જુદો કરવાની નીતિને કારણે હવે પ્લાસ્ટિક વેસ્ટનું પણ સચોટ પ્રમાણ નોંધાઇ રહ્યું છે. જે અનુસાર રોજ સુરતમાં 170 ટન પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે. તે સાથે જ વૈકલ્પિક ઉપયોગના વિકલ્પરૂપે રોજના 25 ટન પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવી રહ્યા હોવાથી તે અનેક ઉદ્યોગો માટે લાભદાયી નીવડી રહ્યું છે.
પ્લાસ્ટિક વેસ્ટની સાચી હકીકતઃ સુરત મહા નગર પાલિકા દ્વારા શહેરમાંથી નીકળતા ગંદા પાણીને ટ્રીટમેન્ટ કરી પુનઃઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. પાલિકા શહેરના ઉદ્યોગોને - ટ્રીટ કરેલું પાણી વેચીને વર્ષે દહાડે કરોડો રૂપિયાની આવક મેળવી રહી છે. બીજી બાજુ પાલિકાએ થોડા વર્ષો પહેલાં અમલી કરેલ નીતિને કારણે પ્લાસ્ટિક વેસ્ટની સાચી હકીકત બહાર આવી રહી છે. શહેરીકરણ અને વસ્તી વધારા સાથે જ પ્લાસ્ટિકમાંથી બનેલી વિવિધ સામગ્રીનો ઉપયોગ વધ્યો છે. તેમાં દૂધની થેલીથી માંડીને ઠંડા પાણીના બોટલ, પ્લાસ્ટિકના રમકડા જેવી પ્લાસ્ટિકની સામગ્રીનો પણ સમાવેશ થાય છે. પાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટને જુદો પાડીને તેના થકી પ્લાસ્ટિકના દાણા બને તેવી કામગીરી કરવામાં આવી રહી છે.
રોજ 170 ટન પ્લાસ્ટિક વેસ્ટઃ પાલિકા પાસેથી મળેલી માહિતી અનુસાર 2016ના વર્ષમાં જ્યારે પ્લાસ્ટિક વેસ્ટ જુદો પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે પ્રથમ તબક્કે જૂજ પ્લાસ્ટિક વેસ્ટ જ નોંધાયો હતો. ત્યારબાદ આયોજનબદ્ધ કામગીરીને કારણે 2021ના વર્ષમાં રોજનો 70થી 75 ટનનો પ્લાસ્ટિક વેસ્ટ નીકળતો હોવાનું નોંધાયું હતું. પ્લાસ્ટિક વેસ્ટ જુદો પાડવાની નીતિના કડક અમલને પગલે હાલના તબક્કે અત્યારે રોજ 170ટન પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે.
25 ટન પ્લાસ્ટિકના દાણાઃ આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલે જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક વેસ્ટનો પ્લાસ્ટિકના દાણા તરીકે પુનઃઉપયોગ કરી શકાય તે માટેની પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે. તેમાં રોજ 25 ટન પ્લાસ્ટિકના દાણા બની રહ્યા છે. અલગ અલગ પ્રકારનું પ્લાસ્ટિક મળતું હોય અમૂક પ્રકારનું પ્લાસ્ટિક અંકલેશ્વર, વાપી સ્થિત ઉદ્યોગોને મોકલવામાં આવે છે. જીપીસીબીની મંજૂરીથી થતી આ કામગીરીમાં પ્લાસ્ટિક વેસ્ટ થકી બનતા પ્લાસ્ટિકના દાણા અનેક ઉદ્યોગોને મોકલી આપવામાં આવે છે. ઉદ્યોગોમાં પ્લાસ્ટિકના દાણા વિવિધ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાય છે.
- VNSGU Surat: વેસ્ટ પ્લાસ્ટિકનો બેસ્ટ નિકાલ, બોટલમાંથી ઈંટને પણ ટક્કર મારે એવો બ્લોક બનાવ્યો
- પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર હાઇકોર્ટે વ્યક્ત કરી ચિંતા - GPCBને પગલાં લેવા સૂચના