ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓલપાડમાં બાઈક સવાર પરિવાર પર ડમ્પર ફરી વળ્યું: માતા-પુત્રીનું કરુણ મોત, પતિ ઈજાગ્રસ્ત - SURAT ACCIDENT

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારની બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 20, 2025, 9:58 AM IST

Updated : Jan 20, 2025, 10:51 AM IST

સુરત :ઓલપાડ તાલુકામાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક ડમ્પરની અડફેટે આવેલ બાઈક પર સવાર પતિ-પત્ની અને પુત્રી રોડ પર પટકાયા હતા. જેમાં માતા-પુત્રીનું મોત નીપજ્યુ હતું. જ્યારે બાઈકચાલક પતિ ઈજાગ્રસ્ત થયા હતા.

સાયણ નજીક ગમખ્વાર અકસ્માત :સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. સાયણ ગામના ઓવર બ્રિજ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે (GJ 05 CY 0127) એક બાઈક સવાર પરિવારને અડફેટે લીધો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારની બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે.

ઓલપાડમાં બાઈક સવાર પરિવાર પર ડમ્પર ફરી વળ્યું (ETV Bharat Gujarat)

માતા-પુત્રીનું મોત, પતિ ઈજાગ્રસ્ત :આ અકસ્માતમાં સતીશભાઈ નાકરાણીના પત્ની ઝલકબેન પર ડમ્પરનું ટાયર ફરી વળતા તેઓનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. તેમની 11 માસની નાની દીકરી કેશ્વીને બંને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, ટૂંકી સારવાર દરમિયાન તેણીએ પણ દમ તોડી દીધો હતો. બાઈક ચલાવી રહેલા સતીશભાઈને શરીરે નાની-મોટી ઈજાઓ થઈ છે.

અકસ્માત સર્જ્યા બાદ ચાલક ફરાર :ગણતરીના કલાકોમાં જ પત્ની અને પુત્રીના મોતના સમાચારથી સતીશભાઈ આઘાતમાં સરી પડ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. ઓલપાડ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કેસની તપાસ પ્રો. ASI અજયભાઈ મનુભાઈ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરત જિલ્લામાં બેફામ દોડતા વાહનોના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.

  1. સુરત ડાયમંડ બુર્સ કાર અકસ્માત: 18 વર્ષીય BBAના વિદ્યાર્થીની ધરપકડ
  2. સુરતમાં 9 વર્ષની બાળકી ઘરે એકલી હતી ત્યારે જમતા-જમતા મોત થયું
Last Updated : Jan 20, 2025, 10:51 AM IST

ABOUT THE AUTHOR

...view details