ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત નજીક કારમાં થયો બ્લાસ્ટ, આગની જ્વાળામાં કારચાલક હોમાયો - SURAT CAR BLAST

સુરતના આભવા નજીક એક ગોઝારો બનાવ બન્યો છે. અહીં એક પેટ્રોલ કારમાં આગ લાગતા કાર સહિત ચાલક પણ બળીને ભડથું થયો હતો.

સુરત નજીક કારમાં થયો બ્લાસ્ટ
સુરત નજીક કારમાં થયો બ્લાસ્ટ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 7 hours ago

સુરત :શહેરના છેવાડે અડીને આવેલ હાઈવે પર આભવા પાસે ગોઝારો બનાવ બન્યો છે. અહીં એક પેટ્રોલ કારમાં અચાનક બ્લાસ્ટ થયો અને ભડભડ સળગવા લાગી હતી. ગણતરીની મિનિટોમાં કાર ચાલક આગમાં દાઝીને મોત પામ્યો. કંપારી છૂટી જાય એવી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે.

આભવા પાસે બન્યો ગોઝારો બનાવ :ઘટના અંગે મળતી માહિતી મુજબ ગતરોજ સાંજે દીપકભાઈ ઘરેથી સ્વીફ્ટ કાર (GJ-05-RN-7588) લઈ હજીરા L&T કંપની પાસે ચા પીવા માટે નીકળ્યા હતા. ત્યાં પહોંચી પોતાનો મોબાઈલ ઘરે ભૂલી ગયા હોવાનું યાદ આવતા કાર લઇ ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે હજીરા-સચિન રોડ પર એસ.કે. નગર નજીક અચાનક જ કારમાં આગ લાગી હતી.

કાર સાથે જ હોમાયો કારચાલક :જોકે, આ દરમિયાન કાર લોક થઈ જતા ચાલક બહાર નીકળી શક્યા ન હતા. ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી કાર આગની ઝપેટમાં આવી ગઈ હતી. કાર ભડભડ સળગી ઉઠતા કારચાલક આગમાં મૃત્યુ પામ્યા હતા. સમગ્ર મામલે આ રોડ પરથી પસાર થતા વાહનચાલકો એકઠા થઈ ગયા હતા.

ડુમસ પોલીસ દ્વારા કાર્યવાહી :સ્થાનિકોએ આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો. સાથે જ ડુમસ પોલીસને આ બાબતની જાણ થતા પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો. જ્યાં પેનલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ.

ટેટુ પરથી મૃતકની ઓળખ થઈ :ડુમસ પોલીસ ટીમ પણ કાર ચાલકના મૃતદેહને જોઈ સ્તબ્ધ થઈ ગઈ હતી. કારની આગ એટલી ભયાનક હતી કે, કાર ચાલકનું શરીર બળી ગયા બાદ તેની ઓળખ કરવી અશક્ય હતી. પરંતુ તેમના ડાબા હાથમાં રહેલ ટેટુના આધારે ઓળખ થઈ હતી. જે બાદ પરિવારજનોને આ મામલાની જાણ પોલીસે કરી હતી. મૃતદેહ 95 ટકા સુધી સળગી ગયો હોવાનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબોનું કહેવું છે.

મૃતક યાર્ન વેપારી દીપક પટેલ :મળતી માહિતી મુજબ ડુમસના આભવા ગામમાં લાયા ફળિયા ખાતે રહેતા 49 વર્ષીય દીપકભાઈ છોટુભાઈ પટેલ યાર્ન સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓ પત્ની અને બે પુત્ર સહિતના પરિવાર સાથે રહેતા હતા. તેમના બે સંતાન પૈકી એક પુત્ર અભ્યાસ કરે છે અને અન્ય પુત્ર નોકરી કરે છે.

કારમાં આગ કેવી રીતે લાગી ?ડુમસ પોલીસે સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે તપાસ અર્થે પહોંચ્યા હતા. પોલીસે FSL ની ટીમને સ્થળ પર બોલાવી હતી. આગ લાગ્યાનું કારણ જાણવા FSL ટીમે જરૂરી સેમ્પલ લીધા હતા. પ્રાથમિક તબક્કે બોનેટથી આગ લાગી અથવા વાયરીંગમાં શોર્ટ સર્કિટ થયાની શક્યતા છે. કારમાં એક વાયર પણ બળી જાય ત્યારે કાર ઓટોમેટિક લોક થઈ જતી હોય છે. FSL રિપોર્ટમાં કારમાં આગ લાગવાનું કાર સ્પષ્ટ થઈ જશે.

  1. સુરતમાં ગટરના પાણીમાં પુરુષો-મહિલાઓ ધૂણ્યા, તપાસમાં શું સામે આવ્યું?
  2. સુરતમાં અચાનક દીપડાએ આંખો પર કર્યો હુમલો, યુવાને આમ જીવ બચાવ્યો

ABOUT THE AUTHOR

...view details