નર્મદા: દેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ સુરતના ઉમરપાડા તાલુકાની મુલાકાત દરમિયાન મણિપુર મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે ઉમરપાડા તાલુકા પંચાયતની ધાણાવાડ બેઠકની પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન મણિપુરમાં લાગુ કરવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
વસાવાએ જણાવ્યું કે, દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આદિવાસી મહિલા હોવા છતાં મણિપુરની હિંસક ઘટનાઓ અંગે તેમનું મૌન ચિંતાજનક છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, મણિપુરના મુખ્યમંત્રી પાસેથી રાજીનામું લઈને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું પડ્યું તે ભાજપ સરકારની સ્પષ્ટ નિષ્ફળતા દર્શાવે છે.
રાષ્ટ્રપતિ આદિવાસી મહિલા હોવા છતાં મણિપુર મુદ્દે મૌન: ચૈતર વસાવા (Etv Bharat Gujarat) આદિવાસી નેતાએ ચેતવણી આપતા કહ્યું કે, આદિવાસીઓ પર થઈ રહેલા અત્યાચારનો જવાબ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશના આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવશે. તેમણે ભાજપની નીતિઓની આકરી ટીકા કરતા કહ્યું કે પાર્ટીની નિષ્ફળતાને કારણે જ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ફરજ પડી છે.
તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.
આ પણ વાંચો:
- કેન્દ્ર સરકારે મણિપુરમાં લાદ્યું રાષ્ટ્રપતિ શાસન, બિરેન સિંહના રાજીનામા બાદ પગલાં લીધાં