ગાંધીનગર : ગુજરાતમાં વર્ષ 2023 માં TET પાસ કરેલ ઉમેદવારોમાંથી કુલ 12,910 ઉમેદવારોની પ્રાથમિક શિક્ષણ વિભાગમાં જ્ઞાન સહાયક તરીકે ભરતી કરવામાં આવી હતી. આ ભરતીને લઈને રાજ્ય શિક્ષણપ્રધાન ડો. કુબેર ડિંડોરે આંકડાકીય માહિતી શેર કરતા મોટું નિવેદન આપ્યું છે.
જ્ઞાન સહાયક ભરતી :વિધાનસભામાં વર્ષ 2023 માં TET અને TAT પાસ ઉમેદવારોની જ્ઞાન સહાયક તરીકે ભરતી સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણપ્રધાને જણાવ્યું હતું કે, વર્ષ 2023 માં 12,910 જેટલા ઉમેદવારોની જ્ઞાન સહાયક તરીકે ભરતી કરવામાં આવી છે. રાજ્યમાં વર્ષ 2023 માં TAT પાસ કરેલ 5,277 ઉમેદવારોની માધ્યમિક શિક્ષણ વિભાગમાં અને 3,071 ઉમેદવારોની ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયક તરીકે ભરતી કરવામાં આવી છે.
શિક્ષકોની કેટલી જગ્યા ખાલી ? વધુમાં તેઓએ જણાવ્યું કે, હાલ રાજ્યની સરકારી અને બિનસરકારી માધ્યમિક શાળાઓમાં કુલ 25,880 અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ 16,894 શિક્ષકો ફરજરત છે. રાજ્યના માધ્યમિક શિક્ષણ વિભાગમાં 97.76 ટકા જગ્યા અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ વિભાગમાં 84.12 ટકા જગ્યા હાલની પરિસ્થિતિએ ભરાયેલ છે.
શિક્ષણપ્રધાનું મોટું નિવેદન : જોકે આ દરમિયાન ભરતી અંગે ખુલાસો કરતા હોય તેમ રાજ્યના શિક્ષણપ્રધાન ડો. કુબેર ડિંડોરે સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યમાં શિક્ષકોની ભરતી લાગવગથી નહીં પરંતુ લાયકાત અને મેરીટના ધોરણે જ કરવામાં આવે છે. નોંધનીય છે કે, જ્ઞાન સહાયકની ભરતી બાદ શિક્ષણપ્રધાનનું આ નિવેદન હાલ સૌના ધ્યાને આવ્યું અને કેટલાક પ્રશ્નો ઉભા કરી ગયું છે.
- Valsad News : નેતા અને અધિકારી 11 માસ કરાર આધારિત નોકરી કરશે તો અમે પણ જ્ઞાન સહાયકમાં નોકરી કરવા તૈયાર
- Gandhinagar News : ગાંધીનગરમાં જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરતાં ઉમેદવારોને એસપી કચેરી બેસાડી દીધાં, વ્યથા અને આક્રોશનો જુવાળ