પાટણ : ગુજરાત પોલીસની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ગુરુવારે મોડી રાત્રે રાધનપુરમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે થરા તરફથી આવી રહેલી બે ગાડીમાંથી રૂ. 2.42 લાખના વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા છે. આરોપીઓ અને પોલીસ વચ્ચે એક્શન ફિલ્મ જેવા સીન સર્જાયા હતા.
દારૂની ખેપ મારતા બુટલેગર :ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પાટણ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી. આ અંગે મળતી માહિતી અનુસાર બાતમી મળી હતી કે, બનાસકાંઠાના થરા તરફથી એક સફેદ કલરની રેનોલ્ટ ડસ્ટર ગાડી (GJ-02-BH-9600) તેમજ એક ગ્રે કલરની ઇનોવા ગાડી (GJ-37-J-2379) રાજસ્થાનથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને થરા, રાધનપુર થઈ ચોટીલા તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે રાધનપુર તાલુકાના ધરવડી ગામના બ્રીજના છેડા પાસે પોલીસે વોચ ગોઠવી હતી.
એક્શન ફિલ્મ જેવા દ્રશ્યો :આશરે રાતના 2:30 કલાકે ગાડી આવતા પોલીસે ઉભા રહેવા ઈશારો કર્યો હતો. પરંતુ બુટલેગરોએ આડશ તોડીને ગાડી ભગાડી મૂકી હતી. પોલીસે પીછો કરતા રાધનપુર બ્રિજથી યુટર્ન મારીને નીચે ઉતરી બજારમાં ઘુસાડી દીધી હતી. ગલી ખાંચામાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા બાદ ખુલ્લા કમ્પાઉન્ડમાં ગાડી ઉભી રાખીને ચાલક અને તેની સાથે બેઠેલો શખ્સ નાસવા લાગ્યા હતા. જોકે, પોલીસે આરોપીઓને પકડી લીધા અને સ્થાનિક પોલીસને બોલાવીને ગાડી પોલીસ સ્ટેશનને લઈ જવાઈ હતી.
બે આરોપી ઝડપાયા, 10 સામે ફરિયાદ :આ ગાડીમાંથી કિંમત રૂ. 2.42 લાખની વિદેશી દારૂની કાચની નાની મોટી બોટલો તેમજ બિયરના ટીન નંગ 1062 મળી આવ્યા હતા. રાધનપુર પોલીસમાં બિશ્નોઇ ઢાણી શિરોહીના સંજયકુમાર ભગવાનરામ ગોદારા, સાંકડરબારી વાસ શિરોહીના મદનલાલ અણદારામ બિશ્નોઇ, ઇનોવા ગાડીનો ડ્રાઇવર અને તેના માલિક, હ્યુન્ડાઈ વેન્યુ ગાડીમાં (GJ-27-ED-6667) પાયલોટિંગ કરનાર ઓમપ્રકાશ ઠાકરારામ અને તેની સાથેનો એક વ્યક્તિ, દારૂનો જથ્થો ભરાવનાર રાજસ્થાની તેમજ દારૂનો જથ્થો મંગાવનાર ચોટીલાનો વ્યક્તિ, રેનોલ્ડ ડસ્ટર ગાડીનો માલિક સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ફરીયાદ દાખલ થઈ હતી.
- ગેરકાયદે રેતીના ડમ્પરને રોકતા ડમ્પર માલિકે રોયલ્ટી ઇન્સ્પેક્ટર પર કર્યો હુમલો
- પાટણમાં લીલા ગાંજાની ખેતી ઝડપાઈ, SOG પોલીસે એક શખ્સને દબોચ્યો