અમદાવાદ :રાજકોટ TRP ગેમઝોન દુર્ઘટના મુદ્દે હાઇકોર્ટમાં હાથ ધરાયેલ સુઓ મોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાજકોટની ઘટના બાદ રાજ્ય સરકારે ગેમઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કને લગતા નવા મોડેલ નિયમો બનાવ્યા છે, જેને પબ્લિક ડોમેઇનમાં મુકાયા છે. મ્યુનિસિપલ કમિશનરોને પણ આ નિયમો મોકલી અપાયા છે, જેઓ આ નિયમોમાં સુધારો કરી શકશે. આ નિયમોને હજી નોટિફાઇડ કરવાના બાકી છે.
રાજ્ય સરકારે રજૂ કર્યા નવા નિયમો :આ નિયમોને ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમિંગ ઝોન એક્ટિવિટી સેફટી રૂલ્સ નામ આપવામાં આવ્યું છે. આ નિયમો દ્વારા જાહેર એમ્યુઝમેન્ટ પાર્કને લાઇસન્સ આપવાનું અને કંટ્રોલ કરવાનું કામ કરવામાં આવશે. જેમાં રાઈડ ઇન્સ્ટોલેશન, લાઇસન્સ, જુદી જુદી ગેમના પણ નિયમો બનાવવામાં આવેલ છે. ત્રણ મહિના સુધીના અને તેથી વધુ સમય ચાલતા ગેમઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક માટેના નિયમો બનાવવામાં આવ્યા છે. તેનું નિયમિત ચેકીંગ પણ કરવામાં આવશે.
આ નિયમ અનુસાર રાઈડ્સ અને મેળાના વીમા લેવા ફરજિયાત કરાયા છે. ક્વોલિફાઈડ લોકો આ ગેમ્સનું ઇન્સ્પેક્શન કરશે. જેનો રિપોર્ટ શહેરમાં પોલીસ કમિશનર દ્વારા લીડ કરતી કમિટી અને જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા લીડ કરતી કમિટી સમક્ષ મૂકવામાં આવશે. આ કમિટીને રાઈડ સેફ્ટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટી નામ આપવામાં આવ્યું છે.
ક્યારથી લાગૂ થશે નવા નિયમો : હાઇકોર્ટે સરકારને જણાવ્યું હતું કે, પહેલા આ નિયમોને નોટિફાઇડ કરો. જે સંદર્ભે સરકારે જણાવ્યું હતું કે, કમિશનરો આ નિયમોને બે અઠવાડિયામાં નોટિફાઇડ કરશે. નોટિફિકેશનના એક અઠવાડિયા બાદ ઇન્સ્પેક્શન કમિટી બનશે. આમ ત્રણ અઠવાડિયાની અંદર તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જેનો રિપોર્ટ રાજ્યના ગૃહ વિભાગના સેક્રેટરીને મોકલવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટે સૂચન કર્યું હતું કે, ગેમઝોનના માલિકોએ કોનો સંપર્ક કરવો તેની માહિતીનો પ્રચાર કરવામાં આવે. સાથે જ યુવાનોને પણ જાગૃત કરવામાં આવે. જે ગેમઝોન પાસે લાયસન્સ હોય તેને આવનાર તમામ લોકો જોવે તે રીતે જાહેરમાં મૂકવામાં આવે. આ નિયમો પહેલા બનાવવાની જરૂર હતી. જે અધિકારીઓને આ નવા નિયમો અંગેની જવાબદારી સોંપવામાં આવશે, તેમને પણ તેમની કામગીરી અંગે વાકેફ કરવામાં આવે.
સરકારે જણાવ્યું હતું કે, નવા નિયમો મુજબ ફાયર NOC, BU પરમિશન, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી NOC, ઇલેક્ટ્રિકલ NOC, રાઇડસ ફિટનેસ NOC વગેરે લેવાના રહેશે. કોન્ટ્રાક્ટ આપવામાં પારદર્શિતા ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. 50 થી 55 વર્ષની ઉંમરના ઓફિસરો કાર્યદક્ષતા નહીં દાખવે તો પહેલા રિટાયર્ડ કરી દેવાશે. ફાયર નિવારણ વિંગ પણ બનશે.
મહાનગરપાલિકાઓની કામગીરી પર ચર્ચા :રાજ્યની મહાનગરપાલિકાઓની કામગીરી અંગે કોર્ટને જણાવ્યું હતું કે, આઠ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા પાંચ વખત મિટિંગ યોજવામાં આવી છે. હવે ફિલ્ડ તપાસ પર ભાર આપવામાં આવશે. રાજ્યની મહાનગરપાલિકાઓને PPP, કોન્ટ્રાક્ટ કે પ્રોક્યુરમેન્ટ અંગેના કરાર માટે ગાઈડલાઈન આપવામાં આવી છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ લાંબા ગાળાનો કોન્ટ્રાક્ટ હોય છે, જેથી તેનું મોડેલ પણ મહાનગરપાલિકાઓને આપવામાં આવ્યું છે.
રાજ્યની મહાનગરપાલિકાઓમાં ખાલી પડેલી જગ્યા અંગે કોર્ટને જણાવ્યું હતું કે, અહીં ભરતી કરવાનું કામ ચાલુ છે. કોર્ટે પૂછ્યું હતું કે, જો ચીફ ફાયર ઓફિસર ક્લાસ 01 અધિકારી હોય તો તેની પરીક્ષા GPSC દ્વારા કેમ લેવામાં આવતી નથી ? આ અંગેના કોઈ નિયમ છે ? તેના નિયમો અને આગામી સમયમાં કોર્ટ સમક્ષ મૂકાશે. ફાયર વિભાગમાં ખાલી જગ્યાઓ પર થયેલી ચર્ચામાં કોર્ટે કહ્યું હતું કે, કોર્ટની ટકોર બાદ ફાયર વિભાગમાં ભરતી બહાર પાડી છે. વળી સુનવણી અગાઉ જ જાહેરાત બહાર પાડવામાં આવી છે. કોર્ટે કહ્યું હતું કે, ઉચ્ચ અધિકારીઓ માટે પણ ટ્રેનિંગ જરૂરી છે.
અધિકારીઓની લાયકાત અને તાલીમ : મહાનગરપાલિકા તેની આસપાસના જિલ્લાઓને પણ ફાયર સેફ્ટીની સુવિધા પૂરી પાડતી હોય તો વધુ સંસાધનો હોવા જોઈએ. GHAA પ્રમુખે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, કેટલાક ફાયર ઓફિસરની લાયકાતને લઈને આ જ કોર્ટમાં અરજીઓ પેન્ડિંગ છે. વળી સત્ય શોધક કમિટીના અહેવાલ અંગે અરજદારે જણાવ્યું હતું કે, અમારી પાસે આ રિપોર્ટ નથી, જેથી કોર્ટ આ રિપોર્ટ પક્ષકારોને આપશે. કારણ કે તેની ઉપર આગામી સમયમાં કોર્ટમાં ચર્ચા થશે. ફક્ત નાના અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરાઇ હોવાનું કોર્ટને જણાવ્યું હતું. ઉપરાંત આગામી સમયમાં પીડિતોને લઈને પણ સુનાવણી થશે.
- ફાયર સેફ્ટી મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને ખખડાવી, કહ્યું 'શાળાઓ બંધ ન કરાવો'
- રાજકોટ અગ્નિકાંડ મામલે બે તત્કાલીન PI સસ્પેન્ડ, SIT રિપોર્ટ પહેલા કાર્યવાહી