અમદાવાદ:રાજ્ય સરકારની વીજ વિતરણ કંપનીઓના ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમમાં (CGRF) ઓનલાઈન ફરિયાદ કરવા માટેની પ્રક્રિયાને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે “સિંગલ ઓનલાઈન પોર્ટલ ઈ-CGRF” નો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે.
ગ્રાહક ઓનલાઇન ફરિયાદ કરી શકશે: વીજ વિતરણ કંપનીઓ દ્વારા ક્ષેત્રીય કચેરી તથા વડી કચેરી ખાતે ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ અને ઓમ્બુડ્સમેન, વિનિમયો 2019ની જોગવાઈ અંતર્ગત સ્થાપેલ ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ (CGRF) ની સ્થાપના કરવામાં આવી છે. ગ્રાહક / અરજદાર વીજ વિતરણ કંપની દ્વારા ફરિયાદ સંબધમાં લીધેલા પગલા અથવા તકરારના કીસ્સામાં ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમનો સંપર્ક કરી શકે છે. અત્યાર સુધી, વીજ ગ્રાહકો CGRFમાં પત્ર, ઈ-મેલ આઈડી થકી કે રૂબરૂ આવીને ફરિયાદ કરી શકતા હતા. પરંતુ હવે આ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ગ્રાહકોને સારી સુવિધા ઉપલબ્ધ કરાશે: રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ ગ્રાહકોને સતત અને ગુણવત્તાસભર વીજ પુરવઠો ઉપરાંત સારી સેવાઓ આપવા માટે કટિબદ્ધ છે. “ઇઝ ઓફ લિવિંગ” યોજનાના ભાગરૂપે ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે, ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમમાં (CGRF) ઓનલાઈન ફરિયાદ કરવા માટે રાજ્ય સરકારની ચારેય વીજ વિતરણ કંપનીઓનું સિંગલ ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલ થકી ગ્રાહકને ઈ-ફાઈલિંગ, એપ્લીકેશન ટ્રેકિંગ, ઓનલાઈન ઓર્ડેર જેવી સુવિધા મળશે.