પાટણ: પુરાણ પ્રસિદ્ધ શ્રીસ્થળ પવિત્ર સરસ્વતી નદી તટે વસેલ સિદ્ધપુર હિન્દુઓનું યાત્રાધામ અને ગુજરાતનું કાશી ગણાય છે. પિતૃ શ્રાદ્ધ બિહારના ગયાજી ખાતે થાય છે એમ માતૃશ્રાદ્ધ અહીંના બિંદુ સરોવર ખાતે થાય છે. જેમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સમગ્ર ભારતમાંથી લોકો અહીં માતૃશ્રાદ્ધ વિધિ, પિંડદાન માતૃગયા માટે આવી રહ્યા છે. આપણા વેદ પુરાણના જણાવ્યા મુજબ માતૃગયા તીર્થમાં શ્રાદ્ધ વિધિ તેમજ પિંડદાન કરવાથી વંશની વૃદ્ધિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવાન કપિલ મહામુનિએ લખ્યું છે કે, માતૃગયા તીર્થ બિંદુ સરોવરમાં માતાનું શ્રાદ્ધ અને પિંડદાન કરવાથી માતાને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પરિવારને માતૃ ઋણમાંથી મુક્તિ મળે છે. તમને જણાવી દઈએ કે, બિંદુ સરોવર ભગવાન કપિલ મહામુનિનું જન્મ સ્થળ છે.
અહીં દેવહુતી માતાએ અહીંયા 10,000 વર્ષ તપ કર્યું: બ્રહ્માજીના માનસ પુત્ર મહર્ષિ કર્દમઋષિ અને દેવહુતી માતાની તપોભૂમિ છે. ભગવાન વિષ્ણુના અંશાવતાર કપિલ મહામુનિની જન્મ સ્થળમાં કર્દમઋષિ અને દેવહુતી માતાએ અહીંયા 10,000 વર્ષ તપ કર્યું છે. ભગવાન કપિલ મુનિએ તેમની માતાજીને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો હતો. ભગવાન પરશુરામજીએ માતૃ હત્યાના ઋણમાંથી મુક્તિ માટે અહીં માતૃગયા શ્રાદ્ધ કર્મ તેમજ પિંડદાન કર્યું હતું. ત્યારથી આ સ્થળ માતૃશ્રાદ્ધ માટે જગતભરમાં પ્રખ્યાત થયું છે.