ગુજરાત

gujarat

ETV Bharat / state

ભગવાન શિવને પ્રસન્ન કરવા બસ આટલું કરો, 12 રાશિના જાતકો માટે જ્યોતિષે શું કહ્યું જાણો... - MAHASHIVRATRI 2025

મહાશિવરાત્રી પર્વ દરમિયાન શિવભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા શું કરી શકે છે, જાણો જ્યોતિષ અને પૂજારીએ 12 રાશિના જાતકોને શું કહ્યું...

મહાશિવરાત્રીની પૂજા
મહાશિવરાત્રીની પૂજા (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Feb 25, 2025, 6:04 AM IST

ભાવનગર :મહાશિવરાત્રી પર્વ શિવભક્તો માટે ખાસ અવસર છે. શિવરાત્રીના દિવસે કઈ રાશિના જાતકોએ શિવને પ્રસન્ન કરવા શું કરવું, તે માટે ETV Bharat ટીમે જ્યોતિષ પાસેથી માહિતી મેળવી છે. જ્યોતિષીએ 12 રાશિના લોકોએ શિવને શું અર્પણ કરવું અને શિવરાત્રી બાદ શું કરવું તેના વિશે જણાવ્યું છે. આ સાથે શિવજીને કેમ પ્રસન્ન કરી શકાય તેના વિશે બીલેશ્વર મહાદેવના પૂજારીએ પણ માહિતી આપી છે, ચાલો જાણીએ...

12 રાશિના જાતકો માટે જ્યોતિષે શું સૂચવ્યું...

ભગવાન શિવને પ્રસન્ન કરવા બસ આટલું કરો (ETV Bharat Gujarat)

જ્યોતિષ મહેન્દ્રભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, શિવરાત્રીના દિવસે યોગ, નક્ષત્ર, કરણ અને એના ભ્રમણ પર મેં રિસર્ચ કર્યું છે. તેના આધારે કઈ રાશિ જાતકોએ કયું ફળ શિવજીને સમર્પિત કરવું અને કઈ વસ્તુઓથી શિવજીનો અભિષેક કરવો તે રજૂ કરવા માગું છું.

  • મેષ, સિંહ, અને ધન રાશિ

ખાસ કરીને મેષ, સિંહ અને ધન રાશિના જાતકોએ શિવજીને સફરજનનું ફળ ધરાવવું અને દૂધનો અભિષેક કરવો. શિવ મંદિર જતા પહેલા ઘરેથી ઓમ નમઃ શિવાયની માળા કરીને નીકળવું. કદાચ આખી માળા થઈ ન શકે એમ હોય તો માત્ર 11 વાર ઓમ નમઃ શિવાયનો મંત્રોચ્ચાર કરીને પોતાના ઘરેથી શિવ મંદિરે જવા નીકળવું. વધુ જિજ્ઞાસા ધરાવતા હોય તો તેઓએ કાર્યસિદ્ધિ, ઉન્નતિ, પ્રગતિ અને કુટુંબના સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે શિવરાત્રી પછીના સાત મંગળવાર કરવા જોઈએ, તેનું નિશ્ચિત પરિણામ મળશે.

  • વૃષભ, કન્યા અને મકર રાશિ

વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકોએ શિવરાત્રીના દિવસે શિવજીને દ્રાક્ષ સમર્પિત કરવી તથા દહીં અને તલથી અભિષેક કરવો. શિવ મંદિરે જતા પહેલા એક ૐ નમઃ શિવાયની એક માળા કરીને નીકળવું. જો શક્ય ન હોય તો ઘરેથી નીકળતા પહેલા 11 વાર ૐ નમઃ શિવાય બોલીને નીકળવું. આ સાથે નાની મોટી સમસ્યાઓના નિવારણ, કુટુંબના સુખ-શાંતિ અને પ્રગતિ માટે શિવરાત્રી પછી સાત શનિવાર કરવા જોઈએ, આટલું કરવાથી સો ટકા સારા પરિણામ મળશે.

  • મિથુન, તુલા અને કુંભ રાશિ

મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકોએ શિવ મંદિરે ચીકુનું ફળ સમર્પિત કરવું તથા પાણીમાં સાકર અને સફેદ તલ નાખી તેનો શિવજીને અભિષેક કરવો. એ જ પ્રમાણે ઘરેથી મંદિર જવા નીકળતાં પહેલાં ૐ નમઃ શિવાયની માળા કરવી અથવા જો માળા ન થઈ શકે તો 11 વાર ૐ નમઃ શિવાય બોલીને શિવ મંદિર જવા નીકળવું. ભાઈ-બહેનો કાર્ય સિદ્ધિ, પ્રગતિ, પારિવારિક શાંતિ અને ધાર્યા કાર્યોની સિદ્ધિ માટે શિવરાત્રી પછીના સાત બુધવાર કરે, તો પરિણામ મળ્યા વગર નહીં રહે.

  • કર્ક, વૃશ્ચિક અને મીન રાશિ

કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોએ દાડમનું ફળ શિવ મંદિરે ધરાવવું અને મધ અથવા ઘી થી અભિષેક કરવો. ઉપરાંત વધારે જીજ્ઞાસા ધરાવતા ભાઈ-બહેનોએ સાત ગુરુવાર કરવા. શિવરાત્રી પછી જો સાત ગુરુવાર કરે તો એમાં એમને નિશ્ચિત પોતાના ધાર્યા કાર્યોમાં સફળતા મળશે.

મહાશિવરાત્રીની પૂજાનો મહિમા :બીલેશ્વર મહાદેવ મંદિરના પૂજારી અશોકગીરીએ જણાવ્યું કે, મહાપવિત્ર મહાશિવરાત્રીનો વિશેષ મહિમા છે, તે દિવસે ત્રણેય ઋતુ પ્રમાણે અલગ અલગ દેવતા બહાર રહે છે. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે 12 વાગ્યાની મહાપૂજા આરતી બાદ પૃથ્વી ઉપર શિવલિંગ સ્વરૂપે પ્રગટ થાય છે. તે દિવસે ભાંગની પ્રસાદી, શિવ પૂજામાં પંચામૃત દહીં દૂધનો ઉપયોગ કરીને ભગવાનની શિવજીની પૂજા વિશેષ દ્રવ્ય દ્વારા થાય છે. ભગવાનને પ્રિય બીલીપત્ર, સુગંધિત દ્રવ્ય, અત્તર, ભસ્મ અને વિશેષ ફળોના રસ દ્વારા શિવજીને અભિષેક કરવામાં આવે તો મહાશિવરાત્રી પર્વના દિવસે ભગવાન શિવ પ્રસન્ન થાય છે.

ડિસ્ક્લેમર :ઉપરોક્ત માહિતી જ્યોતિષ મહેન્દ્રભાઈ પંડ્યા અને પૂજારી અશોકગીરી ગૌસ્વામી દ્વારા આપેલ છે, તેની પુષ્ટિ ETV BHARAT કરતું નથી.

ABOUT THE AUTHOR

...view details