ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં આગામી તા. 26-27-28 જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે. જેમાં નવી શિક્ષણ નીતિ-2020 અંતર્ગત પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને 30 ઉપયોગી સામગ્રી યુક્ત શૈક્ષણિક કિટ અપાશે. જેના ઉપયોગથી બાળકોને શારીરિક અને માનસિક રીતે વધુ તંદુરસ્ત બનાવવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય છે.
'નિપુણ ભારત, નિપુણ ગુજરાત’: ગુજરાતના વિદ્યાર્થીઓના પાયાના શિક્ષણને સક્ષમ બનાવવા તેમજ આધારભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત થાય તે માટે રાષ્ટ્રીય સ્તરે 'નિપુણ ભારત મિશન' તેમજ રાજ્ય સ્તરે 'નિપુણ ભારત, નિપુણ ગુજરાત’ મિશન હાથ ધરવામાં આવ્યું છે. વર્ષ 2026-27 સુધીમાં રાજ્યના બાળકોમાં માતૃભાષાના વાંચન-લેખન સાથે ગણિત શીખવાની ક્ષમતા ઉત્તમ રીતે કેળવાય, તેવા ઉમદા ધ્યેય સાથે આ મિશનની શરૂઆત કરવામાં આવી છે. NIPUN એટલે કે, નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફીસીયન્સી ઇન રીડીંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરેસી નામથી આ રાષ્ટ્રીય પહેલથી બાળકોના શિક્ષણનો પાયો મજબૂત બનશે.
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) નવી શિક્ષણ નીતિ-2020: આ નીતિ અંતર્ગત બાળકોને અનુભવ દ્વારા શિક્ષણ, શિક્ષક દ્વારા વ્યક્તિગત શિક્ષણ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ ઉપરાંત આનંદદાયી અને મનોરંજનભર્યુ શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે. આ સાથે જ બાળકોનું દૈનિક જીવન સાથે જોડાણ, કલા, સંગીત અને રમત-ગમત દ્વારા શીખવાની સમાન અને પૂરતી તક મળે તે પણ એટલું જ જરૂરી છે. સ્વ-શિક્ષણ, સહપાઠી શિક્ષણ આપવા માટે કરીક્યુલમ ફ્રેમવર્ક મુજબની દરેક પ્રમુખ બાબતોને તેમાં સમાવવું જરૂરી હોવાથી, બાળકોને આપવામાં આવતી કીટમાં એ જ પ્રકારની તમામ સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
30 જેટલી ઉપયોગી સામગ્રીઃ આ શૈક્ષણિક કીટમાં કાર્યપ્રણાલી, NCF-SCF વિહાંગાવલોકન, અધ્યયન નિષ્પત્તિ સમજ, અધ્યયન સંપુટ પરિચય, એકમ પરિચય, સપ્તરંગી શનિવાર, જાદુઈ પિટારા સામગ્રી, વિદ્યાપ્રવેશ વિદ્યાર્થી પ્રવૃત્તિપોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, લેખનપોથી, ચિત્રપોથી, નોટબુક, સ્લેટ અને પેન બોક્ષ, શૈક્ષણિક સ્ટેશનરી કિટ, વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર, નિપુણ ભારત માર્ગદર્શિકા, વિદ્યા પ્રવેશ શિક્ષક આવૃત્તિ, સર્જન માટેની વર્ગસામગ્રી, અધ્યયન નિષ્પત્તિ ચાર્ટ તેમજ બોર્ડ બુકનો સમાવેશ થાય છે. ઉપરાંત લાર્જ સ્ટોરી બુક, વાર્તાનો વડલો ભાગ-૧ અને ૨, ચિત્ર વાર્તા પુસ્તિકા, દ્વિભાષી વાર્તા પુસ્તિકા, અર્લી રીડર, સચિત્ર બાળપોથી, ચિત્ર કેલેન્ડર, ફ્લેશ કાર્ડ્સ, ચાર્ટ/પોસ્ટર, બ્રેઈલ કિટ, અર્લી મેથેમેટીક્સ કીટ (NCERT Maths Kit), IIT FLN KIT, લાકડાનાં શૈક્ષણિક રમકડાંની કિટ, રમત-ગમતનાં સાધનો, સંગીતના સાધનો, ગીતમાલા, રમે તેની રમત અને ચર્ચા પત્ર જેવી વિવિધ પ્રકારની અભ્યાસ પુસ્તિકાઓ, રમકડાઓ સાથે સાથે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે સ્પેશ્યલ બ્રેઈલ લીપી ભાષામાં પુસ્તિકાઓ પણ શૈક્ષણિક કીટમાં સમાવવામાં આવી છે.