ગીર: રાજપરા ગીર ખાતે લોકસાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા ચારણ ગઢવી સમાજ માટે લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. 58 દીકરા-દીકરીઓ આજે ચારણ ગઢવી સમાજની પરંપરા અને સંસ્કૃતિ અનુસાર લગ્નના બંધને બંધાયા હતા. સૌરાષ્ટ્રની પ્રાચીન પરંપરા ચારણ અને ગઢવી સમાજમાં આજે પણ અકબંધ જોવા મળે છે. પારંપરિક પહેરવેશ, લગ્નની સદીઓ જૂની પરંપરા, વરરાજા અને વધુએ લગ્નના દિવસે પહેરવાના થતા કપડા આ બધું આજે એક સદી કરતા પણ વધારે સમયથી સતત ચાલતુ આવે છે. તેમાં આજે કોઈ પણ પ્રકારનો ફરક જોવા મળતો નથી. જેને કારણે સૌરાષ્ટ્રની આ પ્રાચીન સાંસ્કૃતિક પરંપરા આજે પણ એક અલગ ઓળખ ઊભી કરે છે.
સૌરાષ્ટ્રની પ્રાચીન પરંપરા ગઢવી-ચારણ સમાજના લગ્ન
સૌરાષ્ટ્રમાં એવી કહેવત છે 'બાર ગામે બોલી બદલાય.' સૌરાષ્ટ્રની આ અલગ ઓળખ અને સંસ્કૃતિ આજે પણ સૌ કોઈને એક વખત વિચારતા કરી મૂકે છે. સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને એ ગીર વિસ્તારમાં વસતા ચારણ, ગઢવી, રબારી, મેર, આહીર અને માલધારી સમાજમાં આજે પણ પ્રાચીન પરંપરા અને તેમના સમાજ સાથે જોડાયેલી માંગલિક અને ધાર્મિક કાર્ય વિધિમાં જોવા મળતું પરંપરિક વસ્ત્ર પરિધાન, કોઈ પણ કાર્યને લઈને હાથ ધરવામાં આવતી વિધિઓ આજે વર્ષોથી ચાલતી આવતી પરંપરા અનુસાર જોવા મળે છે.
આધુનિક સમયમાં આજે પણ ગિરનાર માલધારી હોય કે રબારી, આહીર હોય કે મેર કે પછી સંસ્કૃતિનું રક્ષણ જેની સાથે જોડાયેલું છે તેવા ગઢવી અને ચારણ સમાજ. આજે એક એવી પરંપરાના પ્રહરી બનીને સૌરાષ્ટ્રની આ પ્રાચીન પરંપરા કે જેને સંસ્કૃતિ સાથે પણ જોડીને જોવામાં આવે છે તેના દર્શન રાજપરા ગીર ખાતે આયોજિત ચારણ ગઢવી સમાજના લગ્નમાં જોવા મળ્યા.
અનેક રીતે અલગ પડે છે ચારણ-ગઢવી સમાજ
કહેવાય છે કે સૌરાષ્ટ્રની લોક બોલીમાં જે કલાકારો અત્યાર સુધી સમગ્ર વિશ્વને મળ્યા છે. તેમાં મોટાભાગના ચારણ ગઢવી સમાજના કલાકારો હોય છે. કહેવાય છે તે ચારણ ગઢવી સમાજની જીભ પર સ્વયંમ માતા સરસ્વતી સંસ્કૃતિ અને લોક બોલીના રૂપે બિરાજતી હોય છે. આવા ગઢવી અને ચારણ સમાજની પરંપરા તેમના વસ્ત્ર પરિધાનો અને તેમના માંગલિક પ્રસંગોમાં થતી વિધિ આજે પણ એકદમ અલગ જોવા મળે છે. વરરાજા લાલ પાઘડીની સાથે ઉપરણી ખેશડાની ભેટ, ચોરણો, કેડીયું પહેરીને એકદમ વર્ષો જૂની પરંતુ સૌ કોઈને પ્રભાવિત કરી મૂકે તે પ્રકારના પહેરવેશ સાથે લગ્ન મંડપમાં જોવા મળે છે.
તો બીજી તરફ કન્યા લાલ કલરની ચુંદડીમાં સમગ્ર રીતે ઢંકાયેલી જોવા મળે છે. આ પ્રકારની લગ્ન વિધિ કોઈ પણ સમાજમાં થતી જોવા મળતી નથી. સમગ્ર લગ્ન દરમિયાન અને કન્યા વિદાય થતી વખતે પણ કન્યાનું મોં અને તેના હાથ લાલ કલરની ઓઢણીથી સતત ઢંકાયેલા રહે છે. જે આધુનિક સમયમાં પણ સંસ્કૃતિ અને પરંપરા શું હોઈ શકે તેનું નિર્વાહન કઈ રીતે થાય તેનું આદર્શ અને ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે.