ગાંધીનગર:સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થતાં નર્મદાનું પાણી સરસ્વતી નદીમાં છોડવા બાબતે પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, 'સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થતા તેના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે. વધારાનું લાખો ક્યુસેક પાણી નદીમાં વહી રહ્યું છે. તેથી મેં આજે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે, સુફલામ કેનાલ દ્વારા નર્મદાનું પાણી સરસ્વતી નદીમાં નાખવામાં આવે તો ઉત્તર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય. ઉત્તર ગુજરાતમાં પાણીના તળ ઊંચા આવશે. પૌરાણિક અને ધાર્મિક દ્રષ્ટિએ શ્રાવણ મહિનામાં સરસ્વતી નદીનું આગવું મહત્વ છે. શ્રાવણ માસમાં સરસ્વતી નદીમાં પાણી આવે તો આ વિસ્તારના લોકોને નદીમાં સ્નાન કરીને પુણ્ય કમાવાની તક મળી શકે છે. ધાર્મિક રીતે પણ સરસ્વતી નદીનું ખુબ મહત્વ છે. સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય જ પરંતુ ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે પણ લોકો તેનો ઉપયોગ કરી શકે છે. તેથી આજે અમે મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરી છે.'
કુલ સંગ્રહ શક્તિના 61.92 ટકા જેટલો જળસંગ્રહ:ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારોને ઍલર્ટ કરવામાં આવ્યા છે. હાલ સરદાર સરોવર ડેમમાં 3,00,400 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 89.92 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,46,857 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 61.92 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.