અમદાવાદ: સમગ્ર વિશ્વમાં શાસ્ત્રીય સંગીતના મહાકુંભ ગણાતા સપ્તકના સહ સ્થાપક અને સિતારવાદક વિદૂષી મંજુ નંદન મહેતાનું 79 વર્ષે આજે દેહાવસાન થયું છે. તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાન બંગલા નંબર 7, વિદ્યાનગર સોસાયટી, વિભાગ-2 સામેથી શરૂ થશે. હોટેલ દામજી, નગર ચશ્માઘરની બાજુમાં, ઉસ્માનપુરા આજે બપોરે 3:30 કલાકે વાડજ સ્મશાનગૃહ તરફ આગળ વધશે.
કોણ છે આ મંજુ મહેતા: વિદૂષી મંજુ મહેતા સિતારવાદક હતા. તેઓ પંડિત રવિશંકરજીના શિષ્ય હતા. વિદૂષી મંજુ મહેતાનો જન્મ જયપુરના સંગીતપ્રેમી પરિવારમાં 1945ની 21, મેના રોજ થયો હતો. વિદૂષી મંજુ મહેતાની માતા ચંદ્રકલા ભટ્ટે પણ સંગીતની કળા હસ્તગત કરી હતી. તેમના પિતા મનમોહન ભટ્ટ પંડિત પણ સંગીતના ઉપાસક હતા અને અનેક વિદેશીઓને ભારતીય સંગીત શીખવ્યું હતુ.
વિદૂષી મંજુ મહેતાના મોટાભાઈ પંડિત વિશ્વ મોહન ભટ્ટ સંગીત ક્ષેત્રે નામના ધરાવે છે. મંજુ મહેતાએ અમદાવાદના તબલા વાદક સ્વ. નંદન મહેતા સાથે લગ્ન કર્યા હતા અને જીવનભર બેલડીએ સંગીતની સાધના સાથે સપ્તક જેવા સંગીતના મહાકુંભની સ્થાપના વિવિધ સંગીતપ્રેમીઓ સાથે કરી હતી.
નાનપણથી જ સિતાર પ્રત્યે મંજુ મહેતાને પ્રેમ હતો:વિદૂષી મંજુ મહેતાની સિતાર પ્રત્યેની ઘગશ નાનપણથી જ હતી. તેમણે માત્ર 11 વર્ષની ઉંમરે બાળ કાર્યક્રમમાં સિતાર વગાડીને પોતાનો સિતાર પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કર્યો હતો. સંગીત ક્ષેત્રે ગુરુના સથવારે તેઓની સાધના અવિરત આગળ વધતી રહી. મંજુ મહેતાને પંડિત રવિશંકરજીની સાથે-સાથે મંડિત દામોદરલા કાબરાજી સાથે પણ સંગીત તાલીમ લેવાની તક મળી હતી. સંગીત સાધનાની સાથે મંજુ મહેતાએ ગાંધર્વ મહાવિદ્યાલયથી માસ્ટર ઈન મ્યુઝિકની ડિગ્રીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતુ, દિવસના આકરા રિયાઝ સાથે પણ તેઓ સ્વભાવે મૃદુ અને સંગીત કળાના પ્રસારને જીવન ધ્યેય બનાવ્યો હતો. 1967માં નંદન મહેતા સાથે લગ્ન થયા અને તેઓએ 1980માં વિશ્વ વિખ્યાત સપ્તક સ્કુલ ઓફ મ્યુઝિક સંસ્થાના ટ્રસ્ટી બનીને સંગીત વિશ્વને દર વર્ષે વિવિધ કળા ગુરુના રસપાનની તક આપી છે.
કલાકારથી સંગીતના મહાકુંભ સપ્તક સુધીની સફર: વિદૂષી મંજુ મહેતાએ મોટાભાઈ પાસેથી પહેલા સિતારની તાલીમ મેળવી હતી. મૈહર ઘરાનાના સિતાર વાદક તરીકે મંજુ મહેતાનો પ્રથમ કાર્યક્રમ 1964માં જયપુર ખાતે યોજાયો હતો. પોતાની 79 વર્ષની જીવન યાત્રામાં મંજુ મહેતાએ અનેક કાર્યક્રમો આપી વિશ્વના સંગીતપ્રેમીના દિલમાં વિશેષ જગ્યા અંકિત કરી છે. આકાશવાણીએ મંજુ મહેતાને પુરા દેશમાં પ્રથમ સ્થાન આપ્યુ હતુ. મંજુ મહેતાને પોતાના સંગીત ક્ષેત્રના પ્રદાનના ઋણ તરીકે અનેક પુરસ્કારોથી નવાજિત કરવામાં આવ્યાં છે. તેમને ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
સરળ અને મૈત્રીપૂર્ણ મંજુ મહેતાએ ગુજરાતમાં હિન્દુસ્તાની સંગીતને આગળ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી એમ કહેવામાં અતિશયોક્તિ નહીં થાય. 2018માં મધ્ય પ્રદેશ સરકારનો તાનસેન સન્માન અને 2019માં કોલકાતા સ્થિત ITC સંગીત રિસર્ચ એકેડમી એવોર્ડથી સન્માનિત થનારી તે પ્રથમ મહિલા કલાકાર હતી.
- અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો - RAJIV GANDHI BIRTH ANNIVERSARY