ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરમાં 'સખી સંવાદ' કાર્યક્રમ યોજાયો, CM પટેલ રુ. 350 કરોડની સહાયનું વિતરણ કર્યું - SAKHI SANVAD PROGRAM - SAKHI SANVAD PROGRAM

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યભરની સ્વ સહાય જૂથની મહિલાઓ સાથે ગાંધીનગર ખાતેના યોજાયેલા 'સખી સંવાદ' કાર્યક્રમમાં સ્વ- સહાય જૂથની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં રાજ્યના તમામ 33 જિલ્લાના વિવિધ સ્ટોલનું પ્રદર્શન યોજાયું હતું.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 'સખી સંવાદ' કાર્યક્રમ યોજાયો
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 'સખી સંવાદ' કાર્યક્રમ યોજાયો (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 31, 2024, 10:41 PM IST

ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યભરની સ્વ સહાય જૂથની મહિલાઓ સાથે ગાંધીનગર ખાતેના યોજાયેલા 'સખી સંવાદ' કાર્યક્રમમાં સ્વ- સહાય જૂથની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં રાજ્યના તમામ ૩૩ જિલ્લાના વિવિધ સ્ટોલનું પ્રદર્શન યોજાયું હતું. જેનો મહાનુભાવો, ડેલિગેટ્સ તેમજ રાજ્યભરમાંથી આવેલી બહેનોએ વિવિધ ઉત્પાદન ખરીદીનો ઉત્સાહભેર લાભ લીધો હતો.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 'સખી સંવાદ' કાર્યક્રમ યોજાયો (Etv Bharat gujarat)

ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ મહિલાઓ સંગઠિત: તમામ જિલ્લાઓમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓને સંગઠિત કરી તેમને કૌશલ્ય તાલીમ આપી વિવિધ આજીવિકા પ્રવૃત્તિઓ સાથે જોડી તેમને આત્મનિર્ભર બનાવવામાં આવે છે. રાજ્ય સરકારની વિવિધ મહિલા સશક્તીકરણની યોજના થકી આજે ગુજરાતની ગૃહિણીઓ- ગ્રામીણ કક્ષાની બહેનો પોતાની કલા- કૌશલ્ય નિખારી તેમાંથી રોજગારી- આવક રળીને સન્માનભેર પગભર બની છે. ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપનીના સહયોગ થકી ભરત ગુંથણ, સિવણ, કેટરીંગ, પાપડ, અથાણાં, ખાખરા, રાગી- બાજરી- મીલેટની કુકીઝ,માટી કલાકામ, દોરી વર્ક, જડતર વગેરે જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા મહિલાઓ મહીને નિશ્ચિત આવક મેળવી વધુને વધુ આત્મનિર્ભર બની છે, જેના પરિણામે તેમના જીવન ધોરણમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોના સ્વ-સહાય જૂથ સખીમંડળની નારીશક્તિને પ્રોત્સાહિત કરતાં તેમના મંડળોના ઉત્પાદનો, ચીજ વસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખી વધુને વધુ લોકોનો વિશ્વાસ સંપાદિત કરવા પ્રેરક આહવાન કર્યું હતું.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 'સખી સંવાદ' કાર્યક્રમ યોજાયો (Etv Bharat gujarat)

રૂ.350 કરોડના સહાય લાભનું મુખ્યમંત્રીએ વિતરણ: મુખ્યમંત્રીએ કહ્યું કે, લોકોને સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ મળે તો સખીમંડળની શાખ, પ્રતિષ્ઠા વધશે અને તેમના ઉત્પાદનોનું વેચાણ માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી આપોઆપ ઊંચું જશે. મુખ્યમંત્રીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ‘સખી સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરની સ્વ-સહાય જૂથની બહેનો સાથે વાર્તાલાપ કરતાં આ આહવાન કર્યું હતું. ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ સખી સંવાદમાં 28 હજાર સ્વ-સહાય જૂથોની પોણા ત્રણ લાખથી વધુ ગ્રામીણ બહેનોને કુલ મળીને રૂ.350 કરોડના સહાય લાભનું મુખ્યમંત્રીએ વિતરણ કર્યું હતું. તેમણે ડાંગ આહવાથી લઈને બનાસકાંઠા-વડુ અને પંચમહાલ થી પોરબંદર સુધીના જિલ્લાઓની 17 જેટલી ગ્રામ્ય સખીમંડળ બહેનો સાથે પ્રત્યક્ષ સંવાદ કરીને તેમની સફળતા ગાથા જાણી હતી.

સ્વ- સહાય જૂથની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન યોજાયું (Etv Bharat gujarat)

બજેટમાં મહિલાઓ માટે વિવિધ યોજનાઓ આપી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સખીમંડળ દ્વારા બનાવવામાં આવતી ચીજ વસ્તુઓના ઉત્પાદનથી માંડીને માર્કેટિંગ સુધીની એક આખી ચેઇન ઊભી કરવા સાથે પ્રોડક્ટ્સ માર્કેટિંગમાં આવતી નાની-મોટી સમસ્યા હલ કરવા માટે પણ સરકાર પ્રયત્નશીલ રહેશે તેવો વિશ્વાસ આપ્યો હતો. મુખ્યમંત્રીએ અર્થતંત્રમાં મહિલાઓના યોગદાનને વેગ આપવા સાથે વુમન એમ્પાવરમેન્ટ માટે વડાપ્રધાનએ ‘ગ્યાન’ એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ એમ ચાર સ્તંભના વિકાસ પર દેશની વિકાસગતિ તેજ બનાવવા નિર્ધાર કર્યો છે તેમ જણાવ્યું હતું.મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાને આ વર્ષના બજેટમાં મહિલાઓ માટે રૂ. 3 લાખ કરોડની વિવિધ યોજનાઓ આપી છે.

સ્વ- સહાય જૂથની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન યોજાયું (Etv Bharat gujarat)

3 કરોડ લખપતિ દીદી બનાવવાનો સંકલ્પ: બહેનોને આત્મનિર્ભરતાના માર્ગે વાળવા ગ્રામીણ મહિલાઓને ડ્રોન પાયલોટ તાલીમ આપીને ‘ડ્રોન દીદી’ તરીકે સશક્ત કરવાનું કામ વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં થયું છે તેની ભૂમિકા ભૂપેન્દ્ર પટેલે આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશભરમાં માતા-બહેનોને આર્થિક રીતે પગભર કરવા 3 કરોડ લખપતિ દીદી બનાવવાનો વડાપ્રધાનનો સંકલ્પ છે અને ગુજરાતે આવી 7.50 લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કર્યો છે. એટલું જ નહીં, રાજ્ય સરકારે નવી ખરીદ નીતિ અંતર્ગત જેમ (GEM) પોર્ટલ પર ઓનલાઈન ખરીદીમાં પણ મહિલા ઉદ્યોગ સાહસિકોની માલિકીના ઉત્પાદનની ખરીદીને પ્રોત્સાહિત કરવાની જોગવાઈઓ કરી છે. તેમણે વિકસિત ભારત@2047ના નિર્માણમાં ગ્રામીણ નારીશક્તિ સ્વ-સહાય જૂથોનું યોગદાન મહત્વનું બની રહેશે તેઓ વિશ્વાસ દર્શાવ્યો હતો.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 'સખી સંવાદ' કાર્યક્રમ યોજાયો (Etv Bharat gujarat)

મહિલાઓને સ્વરોજગારીની તકો આપી:ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારની ગરીબ કુટુંબોની મહિલાઓને સંગઠિત કરીને, તેમને કૌશલ્યયુક્ત તાલીમ આપી આજીવિકા પૂરી પાડવી, એ અમારી સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે. મુખ્યમંત્રી સાથે સંવાદમાં સ્વ-સહાય જૂથની મહિલાઓ દ્વારા રજૂ કરાયેલી માંગણી અને લાગણીને રાજ્ય સરકાર હકારાત્મક પ્રતિભાવ આપી તેમને મદદરૂપ થવા હંમેશા તત્પર છે, તેવી ગ્રામ વિકાસ મંત્રીએ ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મહિલા સશક્તિકરણની કેડી કંડારી હતી. આજે એ જ કેડીએ આગળ વધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સ્વ-સહાય જૂથોને માળખાકીય સુવિધા, બેંક ધિરાણ અને સહાય ઉપલબ્ધ કરાવી, ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને સ્વરોજગારીની તકો પૂરી પાડી રહી છે.

પીડીલાઈટ કંપનીના ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની સાથે MoU: મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં આશરે 31 લાખ મહિલાઓને આવરી લેતા 3 લાખ જેટલા સ્વ-સહાય જૂથોનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યના 28 જિલ્લામાં ગ્રામિણ તાલીમ સ્વરોજગાર સંસ્થાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ તાલીમ કેન્દ્રોમાં અત્યાર સુધી આશરે 3.13 લાખથી વધુ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે 28.000થી વધુ સ્વ-સહાય જૂથોની આશરે 2.80 લાખથી વધુ મહિલાઓને રૂ.350 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વ-સહાય જૂથની 500 મહિલાઓને આજીવિકાલક્ષી પ્રવૃત્તિમાં જોડવા માટે પીડીલાઈટ કંપની સાથે રાજ્ય સરકારના ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપનીએ MoU સાઈન કર્યા હતા.

વિવિધ જિલ્લાઓની સખી મંડળોની બહેનો ઉપસ્થિત રહી: આ ઉપરાંત મુખ્યમંત્રીએ સ્વ-સહાય જૂથની મહિલાઓ 'સરસ' મેળામાં ભાગ લેવા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે તે માટેના નવીન પોર્ટલ તેમજ સ્વચ્છ ભારત મિશન હેઠળ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સ્તરે એવોર્ડમાં ભાગ લેવા માટેના નવીન નિર્મળ ગુજરાત 2.O એવોર્ડ પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું. કાર્યક્રમ પૂર્વે મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ-સહાય જૂથની મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા 33 જિલ્લાના 33 સ્ટોલની મુલાકાત લઈ તેની તલસ્પર્શી માહિતી મેળવી ઉત્પાદન વિશે બહેનો સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમના અંતે ગ્રામ વિકાસ વિભાગના સચિવ મનીષા ચંદ્રા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, ધારાસભ્ય જયંતી પટેલ, મુખ્ય સચિવ રાજ કુમાર, ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપનીના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓની સખી મંડળોની બહેનો ઉપસ્થિત રહી હતી.

  1. સુરત ભાજપના માજી કોર્પોરેટર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ, રૂ. 69 લાખનો ચૂનો ચોપડ્યો - Surat Crime
  2. રાજયની શ્રેષ્ઠ નવસારી-વિજલપોર પાલિકામાં સામાન્ય સભા બની અભિનંદન સભા, જાણો કેમ... - Navsari Municipal General Assembly

ABOUT THE AUTHOR

...view details