ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોળાવીરાના ફોસિલ્સ પાર્કમાંથી કરોડો વર્ષ જૂના ફોસિલ્સ વુડના ટુકડા ચોરાયા, વનવિભાગે અફવા ગણાવી - DHOLAVIRA FOSSIL PARK

વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાના ફોસિલ્સ પાર્કમાંથી 16 કરોડ વર્ષ જૂના ફોસિલ્સ વુડમાંથી ટુકડાની ચોરી થઈ હોવાની ઘટનાને વનવિભાગના અધિકારીએ નકારી હતી.

ધોળાવીરાના ફોસિલ્સ પાર્કમાંથી કરોડો વર્ષ જૂના ફોસિલ્સ ચોરાયા વનવિભાગે અફવા ગણાવી
ધોળાવીરાના ફોસિલ્સ પાર્કમાંથી કરોડો વર્ષ જૂના ફોસિલ્સ ચોરાયા વનવિભાગે અફવા ગણાવી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2024, 7:31 PM IST

કચ્છ: હડપ્પન સંસ્કૃતિના નગર ધોળાવીરા નજીક જૂરાસિક યુગનાં 16 કરોડ વર્ષ જૂના વૃક્ષ ફોશિલ્સમાં મસમોટું ગાબડું પાડીને કોઇ અમૂલ્ય અશ્મિ ચોરી ગયું છે, તેવી અટકળો ફેલાઇ હતી. જોકે વન વિભાગના અધિકારી જણાવે છે કે, વનવિભાગની ટીમે સ્થળ પર જઈને તપાસ કરી હતી અને ત્યાં કોઈ પણ પ્રકારની ચોરી થઈ ન હોવાનું જણાવ્યું હતું.

16 કરોડ વર્ષ જૂના અવશેષોની ચોરી: ગુજરાત પ્રવાસન નિગમે 4 વર્ષ પહેલાં 2021-22માં પૂર્વ કચ્છ વન વિભાગને 1.25 કરોડ જેટલી રકમ ફાળવીને 'ફોસિલ્સ પાર્ક' ઊભું કરવામાં આવ્યું હતું. આ પાર્કમાં 37 લાખના કાચના કવરથી રક્ષિત 16 કરોડ વર્ષ જૂના અતિત સાથે જોડાયેલા વૃક્ષનું અશ્મિ રાખવામાં આવ્યું છે. લાંબા સમયથી થોડું થોડું આ અશ્મિ ચોરાતું હોવાની વાત સ્થાનિક લોકોમાં ચર્ચાતી હતી. 10 દિવસ પહેલા કોઇ વ્યક્તિએ મસમોટા લાકડાથી આ અમૂલ્ય ધરોહરને નુકસાન પહોંચાડ્યું હોવાની વાત સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. જે કોઈ પણ અસામાજિક તત્વએ આ કામ કર્યું છે, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.

ધોળાવીરાના ફોસિલ્સ પાર્કમાંથી કરોડો વર્ષ જૂના ફોસિલ્સ ચોરાયા વનવિભાગે અફવા ગણાવી (Etv Bharat Gujarat)

કોઈ પણ પ્રકારની ચોરી કરવામાં આવી નથી: 16 કરોડ વર્ષ જૂના ફોસિલ્સને નિહાળવા દર વર્ષે લાખો પ્રવાસીઓ પાર્કમાં આવે છે. વિશ્વમાં એક માત્ર આ ફોસિલ્સ છે અને આ ફોસિલ્સને ઋતુજન્ય અસરથી બચાવવા કેનોપીના 14 લાખ પણ મંજૂર કરાયા છે. જે માટે આગામી સમયમાં કામગીરી હાથ ધરવામાં આવશે. તેવું વન વિભાગે જણાવ્યું છે. પૂર્વ કચ્છ વનવિભાગના અધિકારી ગોવિંદસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, આ બનાવ અંગે જાણ થતાં વનવિભાગની ટીમ સ્થળ પર તપાસ કરવા માટે મોકલવામાં આવી હતી. સ્થળ પર તપાસ કર્યા બાદ જાણવા મળ્યું છે કે, ત્યાંથી કોઈ પણ પ્રકારની ચોરી કરવામાં આવી નથી. માત્ર અફવા ફેલાવવામાં આવી રહી છે. 16 કરોડ વર્ષ જૂના ફોસિલ્સને કોઈ નુકસાની પહોંચાડવામાં આવી નથી.

ધોળાવીરાના ફોસિલ્સ પાર્કમાંથી કરોડો વર્ષ જૂના ફોસિલ્સ ચોરાયા વનવિભાગે અફવા ગણાવી (Etv Bharat Gujarat)

શું છે આ જૂરાસિક ફોસિલ વુડ?: આજથી 13થી 14 વર્ષ પહેલાં જીયોલોજિસ્ટ દ્વારા ધોળાવીરા ખાતે જૂરાસિક ફોસિલ વુડની શોધ કરવામાં આવી હતી. પહેલાં પણ આ પ્રકારના ફોસિલ્સ વુડ શોધવામાં આવ્યા છે, પરંતુ આ પ્રકારના વુડ શોધ્યા બાદ આને વનવિભાગ દ્વારા રક્ષિત કરવું જરૂરી બને છે. ધોળાવીરામાંથી મળેલા આ પ્રકારના વુડને રક્ષિત કરવા માટે વનવિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને વર્ષ 2011-2012માં આ વુડને રક્ષિત કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં તેની ફરતે કાચની બાઉન્ડ્રી બનાવવામાં આવી હતી. પરિણામે લોકોની અવરજવર બંધ થઈ હતી. પરંતુ આ વુડ પ્રત્યેની ફેન્સીંગ તોડીને પણ લોકો તેના નાના નાના ટુકડાઓ લઈ જતા હતાં.

ધોળાવીરાના ફોસિલ્સ પાર્કમાંથી કરોડો વર્ષ જૂના ફોસિલ્સ ચોરાયા વનવિભાગે અફવા ગણાવી (Etv Bharat Gujarat)

ફોસિલ વુડ હજારો વર્ષથી ખુલ્લામાં પડ્યા: ઉલ્લેખનીય છે કે, ધોળાવીરા ખાતે બે જૂરાસિક ફોસિલ વુડ મળી આવ્યાં હતાં જેમાંથી એક 11 મીટર લાંબો અને 1.5 મીટર પહોળો છે. જ્યારે બીજો 13 મીટર લાંબો અને 1.5 મીટરથી પહોળો જૂરાસિક ફોસિલ વુડ છે. જેમાં ક્યાંક ક્યાંક વચ્ચેથી તેના ટુકડાઓ તૂટી ગયાં છે. આ જૂરાસિક ફોસિલ વુડ હજારો વર્ષથી ખુલ્લામાં પડ્યા છે અને ગરમી, ઠંડી અને વરસાદને કારણે તેના ટુકડાઓ તૂટીને ખરી પડ્યાં છે. તો કેટલાક ટુકડાઓ રણમાં વહી ગયા છે અને કેટલાક ટુકડાઓ લોકો લઈ ગયા છે.

લાખો- કરોડો વર્ષ પછી આ લાકડા પથ્થરમાં પરિણમે છે: આ ફોસિલ્સને એક ડ્રિફ્ટવુડ પ્રકારના છે. આ પૂર અથવા સુનામી આવે ત્યારે સમુદ્ર કિનારે તરીને રેતાળ વિસ્તારમાં ખૂંચી જાય છે અને સમય જતાં લાખો કરોડો વર્ષ પછી આ લાકડા પથ્થરમાં પરિણમે છે. ફોસિલ્સ વુડ બની જાય છે. એક રિસર્ચ દરમિયાન આ ફોસિલ્સ 16 કરોડ વર્ષ જૂનું લાકડું છે અને જે અત્યારે જોવામાં 11 થી 13 મીટર છે. જે ખરેખર ખૂબ મોટા હોવાની શક્યતા રિસર્ચ કરનારાઓએ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ પ્રકારના ફોસિલ્સ થાઇલેન્ડ, યુએસએ અને કેનેડામાં પણ જોવા મળ્યા હતાં. ત્યાંના તંત્ર દ્વારા ઠંડી, ગરમી અને વરસાદથી તેને બચાવા માટે ત્યાં મ્યુઝિયમ બનાવ્યું હતું, જ્યારે અહીં ખુલ્લામાં રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો:

  1. ગુજરાતનાં ઔદ્યોગિક શહેરોની હવા બની ચિંતાનો વિષય: અમદાવાદ, સુરતમાં સૌથી વધુ વાયુ પ્રદૂષણ
  2. વડોદરામાં PM મોદી સ્પેનના PMની કરશે મહેમાનગતિ, રીંગણ-વટાણાની શબ્જી સહિત શું હશે જમવામાં? જાણો

ABOUT THE AUTHOR

...view details