ખેડાઃખેડાના ઠાસરા તાલુકામાં આવેલા બોરડી ગામે બે કિલોમીટરનો એક ગ્રામ્ય રોડ જીલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગ દ્વારા બનાવાયો છે. જે રોડ બોરડી ગામથી ગામનાં પેટા પરા સોમનાથપુરા સુધીનો બનાવાયો છે. રોડ ડાકોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલનાં સંબંધીના ખેતર પાસે પૂરો થાય છે. જેને લઈ સમગ્ર મામલે વિવાદ સર્જાયો છે.
આ બાબતે ગામના નાગરિક ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા પૂર્વ પ્રમુખ પર આક્ષેપો કરતી રજૂઆતો માર્ગ મકાન વિભાગ સહિત ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી છે. જેમાં રૂ.1 કરોડ 40 લાખના ખર્ચે પૂર્વ પ્રમુખના ખેતરે જવા રસ્તો બનાવાયો હોવાનું તેમજ પેટા પરા સોમનાથપુરાનું કોઈ અસ્તિત્વ ન હોવાનું જણાવ્યું છે. જે બાબતે ડાકોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલે આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. આ રસ્તો સરકારે બનાવ્યો છે, પંદર વર્ષ પહેલા પણ સરકાર દ્વારા ત્યાં વિકાસ કામો થયેલા છે. આવી રહેલી ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ આક્ષેપો કરાયા હોવાનું જણાવ્યું હતું. જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા જે તે સમયે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કર્યો હતો અને વિલેજ મેપ આપ્યો હતો. એના આધારે ધારાસભ્યના લેટરપેડ પર સરકારમાં દરખાસ્ત કરતાં જોબ નંબર મળતા રસ્તાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જણાવાયું હતું. તો ગામના પૂર્વ સરપંચ દ્વારા પણ રસ્તો ગામના ખેડૂતો સહિત સૌને ઉપયોગી હોવાનું તેમજ આક્ષેપમાં કોઈ તથ્ય ન હોવાનુ અને વિરોધના કારણે આક્ષેપ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ સોમનાથપુરા પચીસ ત્રીસ વર્ષ પહેલાં પેટા પરુ બન્યું હોવાનું અને તેના અમારી પાસે પુરાવા હોવાનું પણ જણાવ્યું હતું.
ખાલી બે વ્યક્તિઓ માટે બનાવેલો રસ્તો છે : અરજદાર
અરજદાર ધર્મેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, 1 કરોડ 40 લાખનો રસ્તો એમના ખેતરમાં જઈને પૂરો થઈ જાય છે. જ્યારે નકશાના આધારે જોઈએ તો એ રસ્તો છેક સૂઈ સુધી જાય છે. પાછળ ઘણા બધા સર્વે નંબર છે. એ કહે છે કે સોમનાથરા અમે વસાવેલું એ સોમનાથપુરાની જમીન એનએ કરાવેલી છે કે, કેટલા ધર છે તેની હકીકત પણ પુર્ણ થવી જોઈએ. આ ખાલી બે વ્યક્તિઓ માટે જ બનાવેલો છે. જે રસ્તો તળાવની પાળ પર ન બનવો જોઈએ તળાવની પાળ પર જે બનાવ્યો છે તો ક્યારેક તળાવ ઊંડુ કરવાનું થશે તો એની માટી ક્યાં નાંખશે એ એક સમસ્યા છે. રસ્તો બન્યો એટલે ઘણી બધી પબ્લિક જવાની છે. રસ્તો એક માટે નથી બનતો ઘણા માટે બને છે.
આક્ષેપો પાયા વિહોણા, રોડ સરકારે બનાવ્યો છે : પૂર્વ પ્રમુખ