ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન : એક ટ્રક ફસાયો તો બીજો મોકલ્યો, અંધારામાં વાહનોની લાઈટ ચાલુ કરી અને પછી... - Bhavnagar Rescue Operation - BHAVNAGAR RESCUE OPERATION

ભાવનગર કોળિયાક દર્શને આવેલા તમિલનાડુના શ્રદ્ધાળુઓની બસ કોઝવેમાં વહેતા પાણીમાં તણાઈને ફસાઈ હતી. બાદમાં સ્થાનિક લોકો સહિત સ્થાનિક તંત્ર બચાવ કામગીરીમાં લાગ્યું હતું. અંધારામાં વાહનોની લાઈટથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 29 મુસાફરોને બચાવી લેવાયા હતા. જાણો સમગ્ર વિગત

ભાવનગરમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
ભાવનગરમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2024, 2:48 PM IST

ભાવનગર : સ્થાનિક લોકો અને વહીવટી તંત્રએ સાથે મળી એક મોટું કારનામું કરી બતાવ્યું છે. કોળિયાક દર્શને આવેલા તમિલનાડુના શ્રદ્ધાળુઓની બસ કોઝવેમાં વહેતા પાણીમાં તણાઈને ફસાઈ હતી. મુસાફરોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. જેમાં પ્રથમ એક ટ્રક મોકલ્યો, જે ફસાયો તો બીજો મોકલ્યો, અંધારું હતું તો વાહનોની લાઈટ ચાલુ કરી અને આખરે તમામ મુસાફરો સહીસલામત પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા.

શું બન્યું એ સાંજે ?એક તરફ ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે નદી-નાળા બે કાંઠે વહેતા થયા હતા. બીજી તરફ દક્ષિણ ભારતમાંથી શ્રદ્ધાળુઓ નિષ્કલંક મહાદેવ દર્શને આવ્યા હતા. ભારે વરસાદના કારણે કોળીયાકથી નિષ્કલંક મહાદેવના એક કિલોમીટરના માર્ગમાં વચ્ચે નદી પર આવેલા કોઝવેમાં પાણી બે કાંઠે વહી રહ્યું હતું. તેમાંથી આ બસ કાઢવાનો પ્રયાસ કરતા પાણીના વહેણમાં બસ તણાઈ ગઈ હતી.

ભાવનગરમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન : 29 મુસાફરોને બચાવી લેવાયા (ETV Bharat Gujarat)

નદીના વહેણમાં ફસાયા 27 જીવ :આ બનાવના પગલે આસપાસના લોકો દોડી આવ્યા અને મુસાફરોને રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવની જાણ થતાં વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળે દોડી ગયું હતું. સ્થળ પર પહોંચેલા જિલ્લા કલેકટર આર. કે. મહેતાએ જણાવ્યું કે, આ બસ નિષ્કલંક મહાદેવ દર્શને આવી હતી. જેમાં 27 થી વધારે શ્રદ્ધાળુઓ સવાર છે. તેને બહાર કાઢવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ. મહાનગરપાલિકાની ફાયરની ટીમ રેસ્ક્યુમાં જોડાઈ છે, પોલીસ પણ હાજર છે. અમે પ્રયાસ કરી રહ્યા છીએ. બસનો ડ્રાઈવર નવો હતો,જેને રસ્તા વિશે ખ્યાલ નહોતો અને નદીના વહેતા પાણીમાં બસ લઈ જતા બનાવ બન્યો છે.

બચાવવા ગયેલો ટ્રક પણ ફસાયો :બચાવ કામગીરીની શરૂઆત કરતા નદીમાં પાણીનો પ્રવાહ કોઝવે પર વધારે હોવા છતાં એક ટ્રકને પાણી વચ્ચેથી બસ નજીક લઈ જવામાં આવ્યો. બસમાંથી મુસાફરોને ટ્રક દ્વારા બહાર કાઢવાની કોશિશ કરી, પરંતુ ટ્રક પણ ત્યાં ફસાઈ ગયો હતો. બીજી તરફ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સ્થળ પર પહોંચ્યા હતા. અગાઉ વરસાદ ન હોવાથી NDRF ટીમને પરત મોકલી હતી, પણ આ બનાવના પગલે NDRF ટીમને બોલાવવાની ફરજ પડી હતી.

29 મુસાફરોને બચાવી લેવાયા (ETV Bharat Gujarat)

દિલધડક રેસ્ક્યુ ઓપરેશન :આ ઘટના બાદ DSP હર્ષદ પટેલે જણાવ્યું કે, અન્ય રાજ્યમાંથી આવેલી બસ તણાયા બાદ સ્થાનિક તંત્ર કામે લાગ્યું અને બચાવ પ્રક્રિયા હાથ ધરી છે. NDRF ટીમ પણ આવી હતી. પ્રથમ ટ્રક મોકલવામાં આવ્યો તેનું એન્જિન બંધ પડી ગયું હતું. બાદમાં બીજા ટ્રકને વહેતા પાણીમાં મોકલવામાં આવ્યો. ટ્રક મુસાફરોને ભરીને રિવર્સમાં કાંઠે લવાયો હતો. NDRF ટીમ પણ કામે લાગી હતી. આ રીતે 29 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

જિલ્લા કલેકટરે આપ્યો ઘટનાનો ચિતાર :ભાવનગર જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, ડ્રાઈવર કદાચ અજાણ્યો હશે. ગામના લોકોએ તેઓને જાણ કરી, પણ ડ્રાઇવરે ધ્યાનમાં લીધું નહીં હોય અને પાણીમાં ગયા હશે. આથી બસ અડધી કોઝવેમાં રહી અને અડધી પાણીમાં. પ્રથમ સ્થાનિક લોકો અહીંયા પહોંચ્યા અને ત્યારબાદ મામલતદાર, પ્રાંત અધિકારી અને ફાયરની ટીમ પણ આવી ગઈ હતી. સંયુક્ત સહયોગથી તમામ મુસાફરોને સલામત બહાર લઈ આવ્યા. હાલમાં પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરી હવે તેમને ભાવનગર લઈ જઈશું. ત્યાં તેમની રહેવાની વ્યવસ્થા કરીશું.

નદીના વહેણમાં ફસાયા 27 જીવ (ETV Bharat Gujarat)

ડ્રાઈવરે કહ્યું..અંધારામાં ખબર ના પડી...રેસ્ક્યુ કામગીરી કરીને તમામ લોકોને બહાર લઈ આવ્યા બાદ ડ્રાઈવરે જણાવ્યું કે, અમે સવારે આવ્યા અને દર્શન કરીને સાંજ બાદ પરત નીકળતા હતા. ત્યારે વરસાદના કારણે કોઝવે પર થોડું પાણી હતું. પરંતુ અંધારું હોવાને કારણે ખ્યાલ આવ્યો નહીં અને વચ્ચે પહોંચ્યા ત્યારે પાણીનો પ્રવાહ વધુ હોવાથી બસનું સ્ટેરીંગ ફરી ગયું અને બસ અંદર જતી રહી. અમે લોકો દિલ્હીથી અમદાવાદ આવ્યા અને ત્યારબાદ અહીંયા આવ્યા હતા.

  1. ભાવનગરમાં ભારે પાણીમાં બસ તણાઈ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
  2. ભાવનગરમાં મોડી રાત્રે મેઘમહેર: સ્થાનિકોને બફારમાંથી રાહત મળી

ABOUT THE AUTHOR

...view details