ગુજરાત

gujarat

ETV Bharat / state

કર્મશીલ કોકીલાબેન ત્રિવેદી : આજીવન સેવાનો ભેખ, નિધન બાદ દેહદાન - RAMSHEEL KOKILABEN TRIVEDI - RAMSHEEL KOKILABEN TRIVEDI

ગુજરાત તેના કર્મશીલોના સામાજિક યોગદાન થકી ઉજળું છે. આઝાદી બાદ દેશના અંતરિયાળ વિસ્તારમાં વંચિતોના વિકાસ માટે આજીવન સેવાનો ભેખ ધરનાર કોકિલાબેન પ્રફુલભાઈ ત્રિવેદીનું 81 વર્ષે દેહાવસાન થયું છે. જાણો કોણ હતા આજીવન વંચિતો સતત ઝઝુમનાર કોકિલાબેન ત્રિવેદી...

કર્મશીલ કોકીલાબેન ત્રિવેદી
કર્મશીલ કોકીલાબેન ત્રિવેદી (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 1, 2024, 7:11 PM IST

અમદાવાદ : દેશમાં સ્વતંત્રતાની લડાઈ પુરજોશમાં ચાલી રહી હતી, ત્યારે રાણપુર ખાતે 26 ઓક્ટોબર, 1943 માં શારદાબેન પ્રભાશંકર જાનીની કુખે કોકીલાબેન ત્રિવેદીનો જન્મ થયો હતો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી તેમના માતા-પિતાના પાડોશી હતા. કોકિલા નામ ઝવેરચંદ મેઘાણીએ જ આપ્યું, જે કોકિલાબેને જીવન પર્યન્ત વંચિતોની સેવા અને વિકાસ થકી તેની સુવાસ પ્રસરાવી.

  • ઝવેરચંદ મેઘાણીએ આપેલું નામ સાર્થક કર્યું

કોકિલાબહેન ત્રિવેદીનું જીવન એક સાધકના જીવનની જેમ અનેક સંઘર્ષોથી સંપન્ન રહ્યું. દેશ અને સમાજના વિકાસ અર્થે કોકિલાબેને મીઠા લીમડે કોયલ જેમ ટહુકવાને બદલે પાંખા બાવળિયાને છાંયે, અંતરિયાળ ગામોમાં વંચિતો માટેનો અવાજ બની ઝવેરચંદ મેઘાણીએ આપેલા નામને સાર્થક કર્યું.

  • જીવનસાથીનો સાથ અને સેવાભાવી મિજાજ

કોકિલાબેને વંચિતો માટે કાર્ય કરવાના જીવનમંત્ર સાથે જોડાયા જીવનસાથી અને ગુજરાતના જાણીતા કર્મશીલ પ્રફુલભાઈ ત્રિવેદી. વર્ષો પહેલા બેંકની સરકારી નોકરી શાંતિ, સલામતી અને સામાજિક મોભાની ગણાતી હતી. જીવનસાથી પ્રફુલભાઈ ત્રિવેદીનો મિજાજ પણ ગુજરાતમાં રચનાત્મક સેવાકીય પ્રવૃત્તિઓ થકી દેશ અને સમાજનું ઘડતર કરવાનો હતો. પ્રફુલ ત્રિવેદીની બેન્ક ઓફ બરોડામાં મેનેજર તરીકે શાનદાર નોકરી હતી. પણ આ ત્રેવેદી બેવડીએ ગાંધીચિંધ્યા માર્ગે વંચિતોનો અવાજ બનવાનો જીવન ધ્યેય બનાવ્યો.

  • સરકારી નોકરી છોડી સેવાકાર્યમાં પરોવાયા

કોકિલાબેનના જીવનસાથી પ્રફુલભાઈને સરકારી બેંકમાં મેનેજરની નોકરી છોડી, પહોંચી ગયા જુગતરામ દવેના વેડછી આશ્રમમાં. વેડછી ખાતે બંને એ આરંભમાં આદિવાસી ગામોમાં કામ કરવાની શરૂઆત કરી. ત્યારબાદ બંને કણજોડ ગામમાં સ્થાયી થયા. કણજોડ ગામે વનસ્થલી આશ્રમ સ્થાપી, આદિવાસી બાળકોને શિક્ષિત કરવાની કામગીરી શરૂ કરી. જેના થકી આજે આ વિસ્તારમાં વિકાસ વિસ્તર્યો છે.

  • મોરબી મચ્છુ હોનારતમાં કરી કામગીરી

ગુજરાતની મહાકાય દુર્ઘટના પૈકીની એક મોરબીની મચ્છુ હોનારત. વર્ષ 1979માં મોરબીનો ડેમ તૂટતા મચ્છુ હોનારત સર્જાઈ હતી. જેના સમાચાર સાંભળીને કોકિલાબેન અને પ્રફુલભાઈ મોરબી પહોંચી બચાવ, રાહત અને પુનઃસ્થાપનની કામગીરીમાં જોડાયા. મોરબી આસપાસના અનેક ગામોમાં રાજ્યના આદિવાસી વિસ્તારોની જેમ શિક્ષણનો અભાવ તેમણે અનુભવ્યો હતો. મોરબીનો માળિયા-મિયાણા તાલુકો અમુક અરાજક લોકોને કારણે માથાભારે વિસ્તાર ગણાતો. આ માળિયા મિયાણાંના મેઘપર ગામે કોકિલાબહેન પ્રફુલભાઈ ત્રિવેદીએ માળિયા પુનુરુથ્થાન સમિતિ બનાવી.

  • ગાંધીજીના સિદ્ધાંતોને અનુસરી જીવ્યા

સાવ ટાંચા સાધનોથી ગરીબ વંચિત બાળકોની શિક્ષણની સંસ્થા ઊભી કરી. ગરીબ વંચિત દલિત આદિવાસી બાળકોનું શિક્ષણ અને ખાસ કરીને બાળકીઓનું શિક્ષણ એ જ તેમનો જીવનમંત્ર હતો. કરકસર, સાદગી, છેવાડાના માણસની ચિંતા, બિનસાંપ્રદાયિકતા, શાંતિ અને બંધુત્વ જેવા મૂલ્યો સાથે તેઓ જીવ્યા. સંસ્થાઓ સ્થાપીને અંકે કરી લેવાની ભાવના તેમણે કદી ન રાખી. ગાંધીજીનો ટ્રસ્ટીશીપનો સિધ્ધાંત તેમણે જીવનભર જાળવ્યો અને જે થઈ શકે તે કરીને તે વંચિતોના હાથમાં સોંપી દીધું.

  • છેલ્લા શ્વાસ સુધી સેવામાં સમર્પિત

સામાજિક સેવામાં સતત સક્રિય રહેનાર વ્યક્તિ માટે વૃદ્ધાવસ્થા થોડી વધારે મુશ્કેલ થઈ જતી હોય છે. કારણ કે એક તરફ અનેક નાની-મોટી વ્યાધિ અશક્ત બનાવે છે. વૃદ્ધાવસ્થામાં પણ તેઓ પોતાના દૈનિક કાર્યમાં સ્વનિર્ભર રહ્યાં. કોરોના થતા કોકિલાબહેન શારીરિક રીતે નબળા પડ્યા પણ માનસિક રીતે મનદુરસ્ત હતા. 22, જૂનના દિવસે તબિયત કથળતા બે-એક દિવસ માટે અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલ ડો. જીવરાજ મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

  • અંત સમયે દેહદાન થકી બન્યા ખરા અર્થમાં ગાંધીજન

સારવાર દરમિયાન કોકીલાબેનનું 27 જૂનની વહેલી સવારે 81 વર્ષની વયે નિધન થયું. કોકિલાબહેને તેમના મૃત શરીરને અગ્નિમાં સમર્પિત કરવા કરતાં મેડિકલના વિદ્યાર્થીઓને સંશોધન-શિક્ષણ માટે ડોનેટ કરવા કહી રાખ્યું હતું. કર્મશીલ કોકિલાબહેનની અંતિમ ઇચ્છા અનુસાર 27, જૂનના રોજ તેમનો પાર્થિવ દેહ બી. જે. મેડિકલ કોલેજમાં મેડિકલ ક્ષેત્રે સંશોધન કરવા સોંપાયો. આજીવન વંચિતોની સેવાનો ભેખ ધરનાર, કોકિલાબહેન નિધન બાદ દેહદાન થકી આગવો ચિલો ચાતરીને ખરા અર્થમાં ગાંધીજન બન્યા છે.

  1. આજે ‘નેશનલ ડોક્ટર્સ ડે’, જાણો કોની યાદમાં ઉજવાઈ છે આ દિવસ - National Doctors Day
  2. ભગવાન જગન્નાથની અનોખી સેવા કરતા ભાવનગર હરિભક્તો : વરિષ્ઠ નાગરિકો માટે બન્યા પ્રેરણારુપ

ABOUT THE AUTHOR

...view details