રાજકોટ: પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાએ ક્ષત્રિય સમાજને સમર્થન જાહેર કર્યું છે. રણજીત વિલાસ પેલેસમાં ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે સ્વતંત્રતા પછી સત્તાધીશોમાં સંવેદનશીલતા ઘટી છે એ દુઃખની વાત છે. તાજેતરમાં પુરષોત્તમ રૂપાલાએ તેમના મંતવ્યથી આપણા સમાજનીમાં દીકરીઓને ઉંડો આઘાત પહોંચાડ્યો છે.
આ ઘટનાએ મને સ્તબ્ધ કરી દીધો - માંધાતાસિંહજી
માંધાતાસિંહજીએ જણાવ્યું કે ભારતનાં સંવિધાને આપણને વાણી સ્વતંત્રતા આપી છે તેનો અર્થ એ નથી કે આપણે ફાવે એવી ભાષા અને શબ્દપ્રયોગ ન કરવો જોઈએ. કોઈ સમાજ માટે કોઈ આવી ટિપ્પણી કરવી એ માનવતાનું હનન છે. આ ઘટનાએ મને સ્તબ્ધ કરી દીધો હતો અને હું શાંત અને શબ્દવિહીન થઈ ગયો હતો. રૂપાલાએ કરબધ્ધ ક્ષમા યાચનાઓ કરી. ક્ષત્રિય સમાજનાં સંત શ્રી લાલબાપુ પાસે ક્ષમાયાચના કરી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ આ મુદે ક્ષમાયાચના કરી હતી.
આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ આવે એવી અપીલ - માંધાતાસિંહજી
આજે અમારા સમાજની દીકરીઓ અને બહેનો, માતાઓને જાહેરમાં આવવું પડે એનું દુઃખ હું અનુભવી શકું છું. આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ આવે એવી હું અપીલ કરું છું. અમારા સમાજની બહેનોને હું કહેવા માંગીશ કે કેસરિયા, જોહર અને શાકા એ આપણી રાજપૂતોની પરંપરાનું આભૂષણ છે, પણ આ આભૂષણનો ઉપયોગ આ લડાઈમાં ન કરે તેવી પ્રાર્થના કરું છું. લોકશાહીમાં લોકતાંત્રિક ઢબે વિરોધ કરવાની સંભાવનાઓ પર વિચારવું જોઈએ, લોકશાહીમાં જીવ દીધા વગર સેવા કરવી એ સમયની માંગ છે.
હું ક્ષત્રિય સમાજ સાથે છું અને સંવાદથી નિવેડો આવે એવી હું અપેક્ષા રાખું છું - માંધાતાસિંહજી
હું રાષ્ટ્રવાદની વિચારધારાને વરેલો છું અને જ્ઞાતિએ ક્ષત્રિય હોવાથી હાલની પરિસ્થતિ મુદ્દે મને રંજ પણ છે. સૌહાર્દપૂર્વક સંવાદ રચાય એ દિશામાં સમાજ અને સરકાર આગળ વધે તેવા હું આશા રાખું છું. હું ક્ષત્રિય સમાજ સાથે છું અને સંવાદથી નિવેડો આવે એવી હું અપેક્ષા રાખું છું. ક્ષત્રિય સમાજ બહુ વિચારશીલ સ્વભાવવાળો સમાજ છે. યુદ્ધલાલસા કે યુદ્ધભિરૂતા એ સમાજનો ગુણ નથી. આ મુદે સંવાદપૂર્વક સમાધાન આવે એવા ચોક્ક્સ પ્રયત્નો થઈ રહ્યાં છે. હું સમાજ વિરુદ્ધની કોઈપણ પ્રકારની ખેદજનક ટિપ્પણીને સ્પષ્ટ શબ્દોમાં વખોડું છું અને સમાજને સમર્પિત છું.
- રાજ શેખાવતે કર્યું આત્મવિલોપનનું એલાન, વિરોધની આશંકાને પગલે કમલમ્ પોલીસ છાવણીમાં ફેરવાયું - Parasotam Rupala Controversy
- ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ છતાં નથી કપાયા રૂપાલા, ડેમેજ કંટ્રોલ મોડમાં ભાજપ, ભરત બોઘરાએ શું કરી સ્પષ્ટતા ? - Parshottam Rupala