રાજકોટ: રાજકોટમાં રહેતા અને બેંકના નિવૃત્ત કર્મચારીને અજાણ્યા નંબરમાંથી કેટલાક શખ્સોએ ફોન કરીને 'તમારા બેંક ખાતામાં 2.5 કરોડ છે અને તમે મની લોન્ડરિંગનો ઉપયોગ કર્યો છે અને તમારું એરેસ્ટ વોરંટ કાઢવામાં આવ્યું છે' તેમ કહીને ડિજિટલ અરેસ્ટ કરીને તેમની પાસેથી ઓનલાઈન 56 લાખ પડાવી લીધાની ફરિયાદ કરતા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યો છે.
પોલીસ બનીને ઠગોએ ફોન કર્યો
વિગતો મુજબ, રાજકોટમાં ઢેબર રોડ નજીક હસનવાડીમાં રહેતા અને અગાઉ સુરતમાં બેંકમાં નોકરી કરતા અને હાલ નિવૃત્ત જીવન જીવતા પૂર્વ બેંક કર્મચારીએ ફરિયાદ કરી હતી. જેમાં ચાર અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.11-7ના રોજ મારી પત્ની સાથે હોસ્પિટલમાં હતો ત્યારે કોઇ અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો. સામેની વ્યક્તિએ કહ્યું કે, હું પોલીસ ઇન્સ્પેક્ટર બોલું છું અને તમારા વિરુદ્ધ મુંબઇ તિલકનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. વધુ માહિતી માટે અમારા વિનાયક સરનો મોબાઇલ નંબર પર કોલ કરી માહિતી લેવા જણાવ્યું હતું.
મની લોન્ડરિંગમાં સંડોવણી હોવાનું કહીને ડરાવ્યા
ત્યાર બાદ અન્ય નંબરમાંથી વોટસપ કોલ આવ્યો હતો. જેમાં તે વ્યક્તિએ 'તમારા આધારકાર્ડ પર કેનેરા બેંકમાં એકાઉન્ટ ખૂલ્યું છે. જેમાં એકાઉન્ટ બેલેન્સ 2.5 કરોડ છે અને તમારું આ બેંક એકાઉન્ટ મોટા ફ્રોડમાં વપરાયું છે. તેમજ મની લોન્ડરિંગમાં ઉપયોગ થયું છે. તમારું વોરંટ કાઢવામાં આવ્યું છે અને નરેશ ગોયેલ નામના વ્યક્તિએ 247 લોકો સાથે ફ્રોડ કર્યું છે. તેમાં તમે પણ સંડોવાયા છો તેમ કહ્યું હતું. ત્યારબાદ અજાણી વ્યક્તિ દર બે કલાકે વોટ્સએપ કોલ કરી રિપોર્ટ કરવાનું કહેતો હતો.