રાજકોટ:આજના જમાનામાં પોલીસનો ભય જાણે ખતમ થઇ ગયો હોય એમ લાગે છે. ત્યારે રાજકોટમાં હત્યાનો એક બનાવ બન્યો હતો. રાજકોટમાં કુબલિયાપરા વિસ્તારમાં રાત્રિના 12:30 વાગે હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે આરોપીને ઝડપી લીધો: પોલીસ પાસેથી મળતી વિગત મુજબ, સમગ્ર મામલે મૃતકના મોટાભાઈ રાકેશ ઉર્ફે રાજેશ સોલંકી દ્વારા કુબલીયાપરા વિસ્તારમાં રહેતા નીરજ ઉર્ફે લેન્ડો પરમાર વિરુદ્ધ બીએનએસ ની કલમ 103 (1) મુજબ થોરાળા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. 2 વર્ષ પૂર્વે નીરજ તેમજ સતીશને કેરમ રમવા બાબતે બોલાચાલી તેમજ ઝઘડો થયો હતો. તે બાબતનો ખાર રાખીને સતીશ સોલંકીની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
આરોપીએ છરીના ઘા ઝીંકીને હત્યા કરી: મળતી વિગત અનુસાર મૃતક સતીશ સોલંકી પોતાના મિત્રો સાથે રાત્રે પોતાના વિસ્તારમાં યોજવામાં આવેલા ભજનના કાર્યક્રમમાં ગયો હતો. ત્યાંથી તે પોતાના મિત્રો સાથે ચા પીવા નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં તેની મુલાકાત 2 વર્ષ પૂર્વે કેરમ રમવા બાબતે ઝઘડો થયો તે યુવક નીરજ પરમાર સાથે થઈ હતી. ત્યારે નીરજે સતીશને જોતા કહ્યું હતું કે, 'તારે લડવું જ છે ને' જેથી સતીશ એ કહ્યું હતું કે, મારે લડવું નથી. ત્યારબાદ નીરજ કહ્યું હતું કે, મારે લડવું જ છે. હું તને ક્યારનો શોધતો હતો. તેમ કહી પોતાની પાસે રહેલી છરી વડે સતીશને ઘા ઝીંકી દેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ ગયેલ જાહેર કર્યો હતો. પોલીસ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં કેરમ રમવા બાબતે યુવકની હત્યાનો મામલો, પોલીસે આરોપીને ઝડપી લીધો (Etv Bharat gujarat) મૃતક 3 ભાઇઓમાંથી 2 નંબરનો ભાઇ: પોલીસની પ્રાથમિક તપાસમાં 25 દિવસ પૂર્વે પણ નીરજ અને સતીશ વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. જોકે બંને એક જ વિસ્તારમાં રહેતા હોવાથી સમાજના આગેવાનો દ્વારા સમાધાન કરાવવામાં આવતા કોઈ જાતની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી. મરણ પામનારો સતીશ તેના પરિવારમાંથી 3 ભાઈઓમાંથી બીજા નંબરનો ભાઇ હોવાનું સામે આવ્યું છે. તેમજ મૃતક જૂના ફર્નિચરના ધંધા સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો:
- રાજકોટમાં કેરમ રમવા બાબતે યુવકની હત્યા, સારવાર દરમિયાન યુવકનું મોત