રાજકોટ: શહેર પોલીસમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલે તેના જ વોન્ટેડ પુત્રને ભગાડી દેવા પોલીસ સાથે રકઝક કરી કેફી પીણું પીધેલા કોન્સ્ટેબલે વોરંટની બજવણી કરવા આવેલી પોલીસની ફરજમાં રુકાવટ ઉભી કરી હતી. પોલીસે કોન્સ્ટેબલ, તેના પુત્ર અને તેને બાઇકમાં ભગાડી જનારા કાકા સહિતના ત્રણેયને ઝડપી લીધા હતા.
પોલીસ કોન્સ્ટેબલે વોન્ટેડ પુત્રને ભગાડ્યો:બનાવની મળતી વિગત મુજબ શહેરના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ રિયાઝ મહમદ ભીપૌત્રાએ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પોલીસ હેડ ક્વાર્ટર્સમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ આરિફ ઇસ્માઇલ લંજા, તેનો પુત્ર અયાન લંજા અને અયાનને ભગાડી જનારા બાઇકચાલકના નામ આપ્યા હતા. રિયાઝ ભીપૌત્રાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે વોરંટ બજાવવાની ફરજ બજાવે છે. શહેરના પોલીસ હેડ ક્વાર્ટર્સમાં રહેતા અયાન આરિફ લંજા સામે અગાઉ કેસ નોંધાયો હતો અને તે કોર્ટની મુદતમાં હાજર રહેતો નહીં હોવાથી કોર્ટે તેનું પકડ વોરંટ ઇસ્યૂ કર્યું હતું.
ફરજ પરના પોલીસકર્મીની ફરજમાં રુકાવટ:કોન્સ્ટેબલ રિયાઝ અને તેના 2 સાથી પોલીસકર્મી પકડ વોરંટની બજવણી કરવા હેડ ક્વાર્ટર્સમાં અયાનના ઘર તરફ જતા હતા. ત્યારે જામનગર રોડ પર સ્લમ ક્વાર્ટર્સ ચોક નજીક અયાન નજરે પડતાં રિયાઝભાઇએ તેને અટકાવ્યો હતો અને પકડ વોરંટ હોય અયાનને પોતાની સાથે પોલીસ સ્ટેશને લઇ જવાની તજવીજ શરૂ કરી હતી. અયાનને લઇ જવા પોલીસકર્મી રિયાઝભાઇએ વોન્ટેડ અયાનનો હાથ પકડતા જ અયાનના કોન્સ્ટેબલ પિતા આરિફ લંજા પોલીસકર્મી રિયાઝભાઇ તરફ દોડી આવ્યા હતા અને અયાનનો હાથ મુકાવી દીધો હતો.