રાજકોટ: દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે લોકો પોતાના ઘરની સાફ-સફાઈ તેમજ રંગ રોગાન કરવા માટે પરપ્રાંતીય મજૂરોને કામકાજ અર્થે રાખતા હોય છે. પરંતુ રાજકોટ શહેરમાં માત્ર એક મહિનામાં મજૂરોની આડમાં રહેલા પાંચ જેટલા વ્યક્તિઓએ મોટી રકમની ચોરી કરી છે. આ ઘરફોડ ચોરોએ ચારથી વધુ જગ્યાએ ચોરી કરીને કુલ 34 લાખથી પણ વધુની રકમનો મુદ્દામાલ ચોરી કર્યો છે. તમને જણાવી દઈએ કે, પોલીસ દ્વારા 31 લાખથી વધુના મુદ્દામાલ સાથે આ પાંચ ઘરફોડ ચોરોની ધરપકડ કરી છે.
૧૪ લાખની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું:રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં જ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા શાલીગ્રામ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી 14,00,000 રોકડ રૂપિયાની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હતો. ઘટના એમ બની હતી કે, પટેલ વેપારી દ્વારા ઘરની સાફ-સફાઈ કરવા માટે બહારથી માણસો બોલાવવામાં આવ્યા હતા. ત્યારે ઘરની સાફ-સફાઈ સહિત કામ કરવા આવેલા મજૂરોએ ઘરમાં રાખવામાં આવેલા રોકડ 14 લાખ રૂપિયાની ચોરી કરી હતી.
આ પાંચ વ્યક્તિઓ છે આરોપી: આ સમગ્ર મામલે તાલુકા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તાલુકા પોલીસને ચોક્કસ રાહેથી બાતમી મળી હતી કે, ચોરીની ઘટનામાં સામેલ મુખ્ય આરોપી 37 વર્ષીય પ્રભુલાલ મીણા સહ આરોપી સાથે ગોંડલ ચોકડી તરફ જઈ રહ્યો છે. અને અંતે પોલીસ દ્વારા પ્રભુલાલ મીણા તેમજ 29 વર્ષીય બંસીલાલ મીણાને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ ત્યારબાદ તેમની પૂછપરછ કરતા અન્ય વ્યક્તિઓના નામ પણ ખુલ્યા હતા. જેમાં કાનુરામ ઉર્ફે કાંતિ મીણા, ગોપાલ ઉર્ફે ભુપેશ શંકર મીણા તેમજ પવન થાવરચંદ્ર મીણા સહિતના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.