રાજકોટ : શહેરના જર્જરિત મકાનોનો સર્વે કરી રાજકોટ મહાનગરપાલિકાએ નોટિસ આપવાનો પ્રારંભ કર્યો છે. જેમાં મહાનગરપાલિકાએ લક્ષ્મીનગરમાં આવેલ રાજનગર આવાસ યોજનાના જર્જરિત થઈ જતાં આવાસ ખાલી કરાવવા માટે અગાઉ નોટિસ આપી હતી. જોકે યોગ્ય કામગીરી ન થતા તંત્ર કડક કાર્યવાહી શરુ કરી છે.
રાજકોટ મનપાની કાર્યવાહી :શહેરભરમાં જર્જરીત ઇમારતોને નોટિસ આપી ખાલી કરવામાં આવી રહી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના બે સ્થળે આવેલા ક્વાર્ટરને પણ નોટિસ આપી ખાલી કરાવવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હવે આવાસ યોજનાનો સર્વે કરવામાં આવ્યો છે. અગાઉ બે આવાસ યોજનાના આવાસ ખાલી કરવાની નોટિસ આપ્યા બાદ લક્ષ્મીનગરમાં આવેલ રાજનગર આવાસ યોજનાને પણ ખાલી કરવાની તેમજ મરામત કરવાની નોટિસ આપવામાં આવી હતી.
નળ-વીજ જોડાણ કટ :રાજકોટ મહાનગરપાલિકાએ નોટીસ આપ્યા છતાં લાભાર્થીઓએ રીપેરીંગ ન કરતા આવાસના નળ અને વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. આજે રાજનગર વિસ્તારમાં PGVCL કચેરીની સામે કોર્પોરેશનની આવાસ યોજનાના જર્જરિત 35 જેટલા ક્વાર્ટરના નળ અને વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજનગર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા વર્ષ 1996-97 માં આવાસ યોજના બનાવવામાં આવી હતી. જેમાં આશરે 100 જેટલા ફ્લેટ બનાવવામાં આવ્યા છે.
સ્થાનિક લોકોની રજૂઆત :જેથી રહેવાસીઓ રજૂઆત કરવા માટે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે પહોંચ્યા હતા. અહીં રીપેરીંગ માટે સમય આપવા માટે સ્ટેન્ડીંગ ચેરમેનને રજૂઆત કરી હતી. હાલ અહીં 35 જેટલા ફ્લેટમાં લોકો વસવાટ કરી રહ્યા છે. દર વર્ષે ચોમાસાની સિઝન પહેલા રીપેરીંગ કરવા માટે નોટિસ આપવામાં આવે છે. છતાં આવાસ ધારકો દ્વારા રીપેરીંગ કામગીરી કરવામાં આવતી નથી.
- તહેવાર પહેલાં રાજકોટ મનપાનું ફૂડ વિભાગ જાગ્યું, ૩૯ સ્થળે ચેકિંગ, 28ને ફટકારી નોટિસ
- રાજકોટમાં લેન્ડ ગ્રેબીગ કમિટીની બેઠકમાં 47 કેસોની સુનાવણી, 3 કેસ સામે ફરિયાદ