રાજકોટ: લોધીકાના મોટાવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શિક્ષકના ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. શિક્ષક દ્વારા પરીક્ષામાં ચોરી કર્યાનો આરોપ લગાવી પોલીસ કેસ થશે એવી ધમકી આપવામાં આવી હતી.
શા માટે કર્યો આપઘાત: પોલીસ કેસના ડરના કારણે અને જેલમાં જવાની બીકના કારણે વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હોવાનો સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગઈકાલે સવારના સમયે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધાની જાણ થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
સ્યૂસાઈડ નોટ મળી: પોલીસને વિદ્યાર્થી પાસેથી એક સ્યૂસાઈડ નોટ મળી આવી છે, જે કબજે લઇ તેમાં મોબાઈલમાં વીડિયો હોવાનો પણ ઉલ્લેખ કરતા સ્યૂસાઈડ નોટ અને મોબાઈલ ફોન કબજે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવ્યો: રાજકોટ જિલ્લાના લોધીકાના મોટાવડાની સરકારી શાળામાં 19 ઓક્ટોબરના રોજ ધો-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સ્યૂસાઈડ નોટ લખી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ફક્ત એટલું જ નહિ વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલાં એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં રડતાં રડતાં પોતે લખેલી સુસાઈડ નોટ પણ આ વીડિયોમાં દેખાડી રહ્યો હતો. સ્યૂસાઈડ નોટમાં વિદ્યાર્થીએ પોતાની શાળાના શિક્ષકના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.
શિક્ષકોને સસ્પેન્ડ કરી 10 વર્ષની સજાની માંગ: જોકે, આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ટીમ શાખા ખાતે તપાસ માટે પહોંચી હતી અને સરપંચ સહિતના ગ્રામજનો પણ ત્યાં પહોંચ્યા હતા. મૃતક વિદ્યાર્થીના પરિવારજનો દ્વારા શિક્ષકોને સસ્પેન્ડ કરવાની સાથે 10 વર્ષની સજાની માગ કરવામાં આવી છે. જ્યારે તપાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પ્રથામિક દૃષ્ટિએ થયેલી તપાસમાં કોઇ કારણ સામે આવ્યું નથી.
બીજા કોઈને નહિ મારા એક ઉપર જ એવું કરે: વીડિયોમાં વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, 'મમ્મી અને પપ્પા મારો કોઈ વાંક ન હતો. તોય મારી ટીચરે મને મેં સાબિત કરીને આપ્યું કે પેપર મેં ઘરે નથી લખ્યું તો પણ તેમણે મને પોલીસની ધમકી આપી, મારા પેપરમાં ચોકડા માર્યા અને આવું પહેલીવાર નથી કર્યું. કાલે મે ખુદે પેપર એમના હાથમાં આપ્યું હતું, તોય એમણે મને પોલીસની ધમકી આપી. BAના પેપરમા મારું બધું સાચું લખાણ હતું. તો બીજા કોઈને નહિ મારા એક ઉપર જ એવું કરે. મને મોઢે પ્રશ્ન પૂછ્યા અને તેને એકમ કસોટીના પેપરમાં પણ આવું જ કર્યું હતું અને ત્યાં પણ મારી પાસે મોઢે પેપર લખાવ્યું હતું. મારે 25માંથી 23 માર્ક આવ્યા હતા. તો પણ મારી સાથે આજે પણ આવું કર્યું. મમ્મી જો આજે મે આ પગલું ના ભર્યું હોત તો સોમવારે હું પોલીસ સ્ટેશનમાં હોત. મમ્મી હું સાચું બોલું છું તારા સમ ખાઈને કહું છું મેં પેપર નથી લખ્યું. મેં સરને ખૂબ જ સમજવાનો પ્રયાસ કર્યો પણ તેઓ મારા ઉપર પોલીસ કેસ કરવાના છે તેથી મે આ પગલું ભર્યું છે. પ્લીઝ મારા ઉપર આ વર્તન કરવાથી મે આ પગલું ભર્યું છે.'
વધુમાં જણાવ્યું છે કે, મારી સાથે એકમ કસોટીના પેપરમાં પણ આમ જ કર્યું હતું. સોલંકી સર મારી સાથે હતા, પણ મોસમી મેડમ, સચિન સર અને વિભૂતિ મેડમે મારી સાથે આવુ કર્યું છે. અગાઉ મારા એક મિત્ર સાથે પણ આમ કર્યું હતું. મમ્મી હંસલો મારા ભાઈ જેવો છે તેથી તેને તારો દીકરો માની લેજે. મારા મિત્રોએ મને સાથ આપ્યો છે. I LOVE YOU MOM, I LOVE YOU PAPA બધા મારો પરિવાર ખુશ રહેજો. અંતમાં લખ્યું છે કે, મોબાઈલમાં જુઓ મારો વીડિયો.
ગઈકાલે 11:30 વાગ્યે શાળાએથી છૂટી ગયા બાદ વિદ્યાર્થીને ફરી શાળામાં બોલાવવામાં આવ્યો અને શિક્ષકો દ્વારા ધમકાવવામાં આવ્યો કે તને સજા પડશે અને પોલીસવાળા ઉપાડી જશે. જેથી ધ્રુવિલ ગભરાઈ ગયો. 2 શિક્ષિકા અને 1 શિક્ષક દ્વારા ધમકી આપવામાં આવી હતી. પુત્રના આપઘાતથી ગઈકાલથી પૂરો પરિવાર સૂતો નથી. કાકા ખેતીકામ કરે છે અને ધ્રુવિલના માતા-પિતા અભણ છે અને ઢોર ચરાવવાનું કામ કરે છે.
આ પણ વાંચો:
- ડીસામા પોલીસે લૂંટારૂઓનું સરઘસ કાઢ્યું, અડઘું ગામ જોવા ઉમટ્યું, આરોપીઓ હાથ જોડતા રહ્યાં...
- પોરબંદરના કુખ્યાત ભીમા દુલાના પુત્ર અને પુત્ર વધુ સામે પણ ફરિયાદ, જાણો શું છે મામલો