રાજકોટ: રાજકોટ શહેરમાં સાવકા પુત્રએ જ પિતાની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. સાવકા પુત્રએ પિતાને ટુ વ્હીલર લઈ આપવાનું કહેતા પિતાએ ટુ વ્હીલર લઈ આપવાનો ઇન્કાર કર્યો હતો. જે બાદ બંને વચ્ચે બોલા ચાલી અને ત્યારબાદ ઝઘડો થયો હતો. જો કે માતા દ્વારા સાવકા પિતા અને પુત્રને છૂટા પાડવામાં આવ્યા હતા. પરંતુ રોષે ભરાયેલા પુત્રએ બોથડ પદાર્થના ઘા ઝીંકીને પોતાના જ પિતાને ગંભીર પ્રકારે ઇજા પહોંચાડી હતી. જે બાદ સારવાર દરમિયાન પિતાનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા સાવકા પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે.
રાજકોટમાં સાવક પુત્રએ જ પિતાની હત્યા કરી હોવાનો આરોપ (Etv Bharat Gujarat) સારવાર દરમિયાન પિતાનું મોત: રાજકોટ શહેરના કટારીયા ચોકડી પાસે દેશી દવાનું કામકાજ કરનારા 40 વર્ષીય રાજેશ પાલ નામના વ્યક્તિને તેના જ 19 વર્ષીય સાવકા પુત્ર જોગિન્દર રામસુરૂપ દ્વારા બોથડ પદાર્થ વડે માથાના ભાગે માર મારી ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી. ત્યારબાદ સારવાર દરમિયાન પિતાનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે મૃતકની પત્ની કમલેશ રાજપુત દ્વારા પોતાના જ સગાપુત્ર જોગિન્દર વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવતા પોલીસ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
જોગિન્દર રામસુરૂપ (Etv Bharat Gujarat) પોલીસને આપેલી ફરિયાદમાં મૃતકની પત્ની કમલેશ રાજપૂતે જણાવ્યું છે કે, તે મૂળ હરિયાણાના રેવાડી જિલ્લાના વતની છે. 22 વર્ષ પહેલા તેમના લગ્ન કિશન રામસુરૂપ નામના વ્યક્તિ સાથે થયા હતા. જેના થકી સંતાનમાં ત્રણ દીકરી અને બે દીકરા છે. સૌથી મોટા દીકરાનું નામ જોગીંદર છે. છ વર્ષ પૂર્વે રાજેશ પાલ નામના વ્યક્તિ સાથે મારે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદથી અમે બંને રાજકોટ રહેવા આવતા રહ્યા હતા. રાજેશના મારી સાથે આ ત્રીજા લગ્ન છે. મારો દીકરો જોગિન્દર છેલ્લા દસ બાર દિવસથી તેની પત્ની અને દીકરા સાથે રાજકોટ રહેવા આવ્યો હતો. સોમવારના રોજ જોગિન્દર તેની પત્ની અને તેના દીકરા સાથે અમારા ઘરે આવ્યો હતો. તેમજ મારા પતિ રાજેશ અને દીકરા જોગિન્દર વચ્ચે હોન્ડા બાઈક લેવા બાબતે ઝઘડો થયો હતો. દીકરા જોગિન્દર દ્વારા પતિ રાજેશને હોન્ડા લઈ દેવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ બંનેને છૂટા પાડીને સમજાવટ પણ કરવામાં આવી હતી. પરંતુ થોડીવાર બાદ મારા પતિ રાજેશે મને બૂમ પાડીને બોલાવતા મેં જોયું કે મારા પતિ લોહી લુહાણ હાલતમાં પડેલા છે. તેમજ મારા પતિને શું થયું તેવું પૂછતા તેમણે કહ્યું હતું કે જોગિન્દરે મને માથામાં મારેલું છે. સમગ્ર મામલે 108 મારફતે મારા પતિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.
હાલમાં રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા હત્યારા સાવકા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જ ગુનાના કામે વાપરવામાં આવેલા હથિયાર કબજે કરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આમ, સાવકા પુત્રની ટુ વ્હીલર લઈ આપવાની માંગણી નહિ સ્વીકારતા સાવકા પિતાને મોત મળ્યું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો:
- હત્યારા પતિને મળી આજીવન કેદની સજા, સમગ્ર કેસ જાણી ચોંકી જશો