રાજકોટ : રાજકોટના જામનગર રોડ ઉપર નવી કોર્ટનું સંકુલ બનાવવામાં આવ્યું છે. આ કોર્ટ સંકુલનું લોકાર્પણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા કરવામાં આવ્યું હતું. એવામાં હવે આ કોર્ટ શરૂ થઈ ગઈ છે પરંતુ કોર્ટમાં વકીલોને બેસવા માટે જગ્યા નહીં મળતા વિવાદ સર્જાયો છે. જ્યારે આ મામલે વારંવાર વકીલો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ હજુ સુધી તેનો નિર્ણય આવ્યો નથી. જેને લઈને આજે રાજકોટ બાર એસોસિએશનને સાથે રાખીને વકીલો દ્વારા કોર્ટ ખાતે ધરણા કરવામાં આવ્યા હતા. જ્યારે કોર્ટમાં ધરણા દરમિયાન પોલીસ અને વકીલો વચ્ચે શાબ્દિક બોલાચાલી પણ સર્જાઈ હતી.
બેઠક વ્યવસ્થા મામલે સર્જાયો છે વિવાદ :સમગ્ર મામલે રાજકોટ બાર એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશ ફળદુએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવા કોર્ટ સંકુલમાં ટેબલ વ્યવસ્થામાં જે પ્રશ્નો ઊભા થયાં છે તે પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે અમે ઘણી વખત બેન્ચ સાથે બેઠકો પરેલી છે પરંતુ હજુ સુધી આ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી. જેના વિરોધના ભાગરૂપે આજે અમે એક દિવસ કોર્ટની કાર્યવાહીથી દૂર રહીને પ્રતીક ધરણાનો કાર્યક્રમ કરેલો છે. ત્યારે અમારા ધરણાને તમામ વકીલો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. અમારી માંગ છે કે કોર્ટમાં વકીલોને બેસવા માટેની ટેબલ વ્યવસ્થાના પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે.