રાજકોટ :લીમ ગામે ગૌશાળા અને ભવ્ય મંદિર બનાવવાના નામે રૂ. ત્રણ કરોડથી વધુ રકમની છેતરપિંડી કરવાના ગુનામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સામે રાજકોટમાં ભક્તિનગર પોલીસમાં ગુનો નોંધાયો હતો. ત્યારબાદ સુરતના લાલજી ઢોલાની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રાજકોટ પોલીસે વધુ બે શખ્સોની ગોવાથી ધરપકડ કરી તેના સાત દિવસના રિમાન્ડ મેળવી મુખ્ય સૂત્રધાર સહિતનાને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટમાં 3 કરોડથી વધુની છેતરપિંડીનો કેસ (ETV Bharat Gujarat) સ્વામિનારાયણના સ્વામીઓ વિરુદ્ધ FIR :પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મવડી મેઈન રોડ પર નવલનગરમાં રહેતા અને ભક્તિનગર સર્કલ પાસે જમીન-મકાનની ઓફિસ ધરાવતા જસ્મીનભાઈ માઢકની ફરિયાદ પરથી પોલીસે વિજય પ્રકાશ ઉર્ફે પીપી સ્વામી, જયકૃષ્ણ સ્વામી, માધવપ્રિય સ્વામી, દેવપ્રકાશ સ્વામી, લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ધોરી, ભૂપેન્દ્ર શનાભાઈ પટેલ, વિજયસિંહ આલુસિંહ ચૌહાણ સહિત સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
વધુ બે આરોપી ઝડપાયા :દરમિયાન સુરત પોલીસે લાલજી ઢોલાની ધરપકડ કરતાં રાજકોટ પોલીસે તેની પાસેથી કબજો મેળવી તેની ધરપકડ કરી તેને ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી કરી હતી. ગુનામાં આરોપીને ઝડપવા માટે DCP પાર્થરાજસિંહ ગોહિલ માર્ગદર્શન હેઠળ ACP ભરત બસીયાના રાહબરી હેઠળ રાજકોટ પોલીસે વધુ બે શખ્સ ભૂપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણને ગોવાથી ઉઠાવી લીધા હતા.
પોલીસ કાર્યવાહી :આરોપીઓને રાજકોટ લાવી તેની ધરપકડ કરી હતી. નામદાર કોર્ટે બંને આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે ફરાર સ્વામી સહિતના આરોપીઓનું પગેરું મેળવવા આરોપીઓની વધુ પૂછતાછની કાર્યવાહી હાથ ધરી હતી. તો ઝડપાયેલા બન્ને શખ્સો આ ગુનામાં ખેડૂત તરીકે પોતાની ઓળખ આપી હતી.
- છેતરપિંડી કરનાર MP સ્વામીના સાગરિતને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો
- મુંબઈ પોલીસના PI-વચેટીયા પર 10 લાખની લાંચ મામલે ગાળિયો કસ્યો