કચ્છ: જિલ્લામાં વાદળછાયા વાતાવરણમાં લોકોએ ભારે ઉકળાટનો અનુભવ કર્યો હતો. ત્યારે મોડી રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. 10 તાલુકા પૈકી 8 તાલુકાઓમાં વરસાદ હાજરી પુરાવી હતી. ત્યારે ગાંધીધામ,અંજાર, ભચાઉ અને માંડવીમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. ગામડાંઓમાં પણ વાવાણીલાયક વરસાદ વરસતાં ખેડૂતોના હર્ષની લાગણી ફેલાઇ હતી. જ્યારે ગાંધીધામમાં 4 ઇંચ, માંડવીમાં 2 ઇંચ,અંજારમાં સવા ઇંચ અને ભચાઉમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ભારે ઉકળાટ વચ્ચે વરસાદથી ઠંડક પ્રસરી જવા પામી: હવામાન વિભાગે પણ ચોમાસાના કચ્છમાં પ્રવેશની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આગામી 5 દિવસ દરમિયાન કચ્છમાં કેટલાંક સ્થળે હળવાથી મધ્યમ વરસાદ વરસશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. આમ તો છેલ્લા 2 દિવસથી ભુજ છે તે રાજ્યમાં સૌથી ગરમ મથક બન્યું હતું ત્યારે વરસાદ બાદ મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનું ઘટાડો થયો છે. કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી લોકો સખત ઉકળાટ અનુભવી રહ્યા હતા ત્યારે રાત્રે ગાજવીજ સાથે જોરદાર ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.