જૂનાગઢ: દેશના લોકોને તો જાણે લાઈનમાં રહેવાની હવે આદત જ પાડી દેવામાં આવી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે, અગાઉ નોટબંધી હોય કે કોરોનામાં દવા કે હોસ્પિટલમાં બેડ માટેની જહેમત હોય, હવે એક નવા સરકારી નિર્ણય પછી લોકોની ફરી લાઈન જોવા મળી રહી છે. જોકે હવે જાણે લોકોએ પોતાના થાકનો એક અલગ રસ્તો કાઢ્યો છે, ચપ્પલને જ લાઈનમાં લગાવી દીધા છે, પણ હવે જાણે તેમને આદત પડી ગઈ છે. આધારકાર્ડ માટે e-KYC ઉના તાલુકાના લોકો માટે ગળામાં ફસાયેલું હાડકું બની રહ્યું છે. લોકો વહેલી સવારે 5:00 વાગે ઊઠીને મામલતદાર કચેરીએ તેમનો નંબર પહેલો આવે તે માટે ચપલોની લાઈન લગાવીને e-KYC રજીસ્ટ્રેશન થાય તે માટે રાહ જોતા કચેરીમાં બેસી રહે છે.
e-KYC માટે ચપલોની પંગત:ઉના તાલુકામાં આધારકાર્ડની e-KYC ને લઈને લોકો ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. શાળામાં દિવાળી સત્ર પૂરું થઈ રહ્યું છે. શિષ્યવૃત્તિ મેળવવા માટે માતા પિતાના આધારકાર્ડ સાથે વિદ્યાર્થીનો આધારકાર્ડ e-KYC માટે ઉના તાલુકામાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીઓ ભારે મહેનત કરી રહ્યા છે. વહેલી સવારે પાંચ વાગે ઊઠીને ઉના મામલતદાર કચેરી પર જાણે કે કોઈ ધર્મસ્થાનોમાં ચપલોની કતાર લાગી હોય તે પ્રકારે તેમનો ક્રમ પહેલો આવે તે માટે ચપલોની કતાર લગાવીને બેઠેલા જોવા મળે છે.