વડોદરા : ગુજરાતના અસંખ્ય ગામડાંઓમાં ભાજપના આગેવાનો, ઉમેદવારોને પ્રચાર માટે પ્રવેશબંધી જોવા મળી છે. એટલે કે રાજપૂત સમાજનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. રાજકોટમાં એક જાહેરસભામાં લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ ઉપર અભદ્ર ટિપ્પણી ઉચ્ચારી હતી. જેને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પરશોત્તમ રુપાલાની ટીકીટ રદ કરવાની માંગણી સાથે છેલ્લા કેટલા દિવસથી ક્ષત્રિય સમાજ દ્વારા ચાલી રહેલા આંદોલન વધુ ઉગ્ર બન્યું છે.જેની અસર ડભોઇના ભીલોડિયા ગામમાં જોવા મળી છે.
ભીલોડિયા ગામે લાગ્યા બેનર અને પૂતળાનું દહન : સમગ્ર ગુજરાતમાં પરશોત્તમ રુપાલાના વિરોધને લઈને વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ભીલોડિયા ગામે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકત્રિત થઈને પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ નહીં થાય તો કોઈપણ રાજકીય પક્ષે ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર ગામમાં પ્રવેશ દ્વાર ઉપર લગાવવામાં આવ્યા હતાં. એટલું જ નહીં, પરશોત્તમ રુપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતાં. સાથે સાથે પરશોત્તમ રુપાલાનું પૂતળાંદહન પણ કરવામાં આવ્યું.