ભાવનગર:"સરગવો" જેને મોરીંગો ઓલિફલાવર પણ કહેવામાં આવે છે. સરગવો સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે તે જાણવાની કોશિશ ETV BHARAT દ્વારા કરવામાં આવી છે. ભાવનગરની આયુર્વેદ કોલેજના દ્રવ્યગુણના પ્રાધ્યાપકે સરગવાનું મહત્વ અને કેટલા રોગો ઉપર કામ આપે છે તેના વિશે માહિતી પૂરી પાડી હતી. આપણે જાણતા નથી હોતા કે સરગવામાં કેટલી તાકાત ભરી છે. જાણીને તમે પણ ચોંકી ઉઠશો ત્યારે ચાલો જાણીએ.
સરગવાનું આખું વૃક્ષ ઔષધીયથી ભરપૂર: ભારત દેશમાં સરગવો અનેક સ્થળો ઉપર અનેક રાજ્યોમાં જોવા મળે છે ત્યારે વાત ગુજરાતની કરીએ તો ગુજરાતમાં પણ અનેક લોકોના ઘરે સરગવો ઉગે છે. જો કે સરગવાની ખેતી પણ થતી હોય છે. ભાવનગરના આયુર્વેદ કોલેજના દ્રવ્યગુણ વિભાગના પ્રાધ્યાપક રમેશચંદ્ર પાંડેએ જણાવ્યું હતું કે સરગવાને મોરિંગો ઓલિફલાવર તરીકે ઓળખવામાં આવે છે તે 10 થી 20 ફૂટ ઊંચો હોય છે. સરગવો બે પ્રકારનો મીઠો અને કડવો હોય છે. જ્યાં ત્યાં મોટા ભાગે મીઠો સરગવો બધે થાય છે સરગવાની સિંગુ સાંભાર, દાળ અને શાકમાં પણ ભોજનમાં લેવાતી હોય છે.
સરગવાના પાન, મૂળ, શિંગ અને પાંદડામાં ક્યા તત્વ:સરગવાની સિંગ સામાન્ય રીતે ભોજનમાં દાળમાં અથવા તો શાકમાં નાખીને ગુજરાતીઓ આરોગતા હોય છે. પરંતુ સરગવાના વૃક્ષમાં કયા તત્વો છે તેને લઈને આયુર્વેદ કોલેજના દ્રવ્યગુણના પ્રધ્યાપક રમેશચંદ્ર પાંડે જણાવ્યું હતું કે સરગવાના પાન,મૂળ, ફળ બધા ઉપયોગી છે. સરગવો ગરમ હોય છે. સરગવામાં વિટામિન A અને C વધારે હોય છે. આ સાથે કેલ્શિયમ, આયોડિન અને આયર્ન પણ હોય છે. સરગવો એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિબાયોટિકનું પણ કામ આપે છે. નેગેટીવ બેક્ટેરિયા અને ફંગલ બેક્ટેરિયાને નાશ કરે છે. એના પાંદડામાં પ્રોટીન, ફેટ, કાર્બોહાઇડ્રેટ,કોપર, આયોડિન, કેલ્શિયમ, પોટાશ, આયર્ન, કેરોટીન અને નિકોટીન એસિડ હોય છે.