પોલીસે હાથ ધર્યું ઓપરેશન સાગર સુરક્ષા કવચ પોરબંદર :પોરબંદર પોલીસનું બે દિવસીય ઓપરેશન સાગર સુરક્ષા કવચ પૂરું થયું છે. જેના અંતર્ગત પોરબંદર જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં પોરબંદર પોલીસ સાથે વિવિધ સુરક્ષા એજન્સીની ટીમોએ જોડાઈને સતત પેટ્રોલિંગ, મોકડ્રીલ અને જાહેર સ્થળોએ ચેકીંગ સહિતની કામગીરી કરી હતી.
પોરબંદરનો સંવેદનશીલ દરિયાકિનારો :પોરબંદર સમુદ્ર કિનારો ભૂતકાળમાં આતંકવાદી ગતિ વિધિ સાથે સંકળાયેલો રહ્યો છે. મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપી આતંકવાદી કસાબે મુંબઈ સુધી જવા માટે પોરબંદરના દરિયાકાંઠાનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત ભારતમાં છેલ્લા 5 વર્ષથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પણ પોરબંદર દરિયાકિનારે અથવા દરિયાઈ સરહદમાંથી ઝડપાયું છે. આથી ગુજરાતમાં પોરબંદરના દરિયાને સૌથી સંવેદનશીલ ગણવામાં આવે છે.
ઓપરેશન સાગર સુરક્ષા કવચ :પોરબંદર જિલ્લાના દરિયાકિનારા વિસ્તારમાં કોસ્ટગાર્ડ, નેવી સહિતની અન્ય સુરક્ષા એજન્સી દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. ત્યારે પોરબંદર મરીન પોલીસ વિભાગ અને પોરબંદર જિલ્લા પોલીસે પણ આ કવાયતમાં સહભાગી થઈ ઓપરેશન સાગર સુરક્ષા કવચ શરૂ કર્યું છે. જે અંતર્ગત વિવિધ સ્થળો પર સુરક્ષા કામગીરી કરવામાં આવી હતી.
માછીમારો જોગ ખાસ અપીલ :પોરબંદર જિલ્લાના માછીમારોને આતંકવાદી પ્રવૃત્તિ અથવા કોઈ શંકાસ્પદ બોલ દરિયાકિનારા નજીક અથવા સમુદ્રમાં જોવા મળે અથવા કોઈ પદાર્થ જોવા મળે તો તાત્કાલિક પોલીસ વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું હતું. અનેકવાર માછીમારોને આ બાબતે સેમિનારના માધ્યમથી જાગૃત કરવામાં આવે છે. દરિયાઈ ગતિવિધિની માહિતી આપવા માટે સંપર્ક નંબર પણ આપવામાં આવે છે.
સુરક્ષા કામગીરી હાથ ધરી :ઓપરેશન સાગર સુરક્ષા કવચમાં પોરબંદર પોલીસની SOG ટીમ, કોસ્ટગાર્ડ, નેવી, ફિશરીઝ અને કસ્ટમ વિભાગ સહિતની એજન્સીઓ જોડાઈ હતી. દરીયામાં બોટનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ હાઇવે પર વાહન, એસટી અને રેલવે સહિત જાહેર સ્થળો અને મંદિરોમાં પણ ચેકિંગ કર્યું હતું. ઉપરાંત દરિયામાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે દરિયામાં આતંકી બોટને ઝડપવા અંગેની મોકડ્રીલ પણ યોજવામાં આવી હતી.
- ખેડૂતને ગાંજાની ખેતી ભારે પડી, પોલીસે 35 કિલોથી વધુ ગાંજા સાથે કરી ધરપકડ
- પોરબંદરમાં દારૂડિયા પતિએ જ કરી પત્નીની ક્રૂર હત્યા - Porbandar Murder