અમદાવાદ:ગુજરાતી સુગમ સંગીતના અગ્રણી પુરુષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની વયે નિધન થયું છે. પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયએ ગુજરાતી સંગીતને નવી ઉંચાઈ અર્પી હતી. સ્વ. પુરુષોત્તમ ઉપાધ્યાયનું ગુજરાતી સુગમ સંગીતમાં કેવું હતુ પ્રદાન અને તેઓની સંગીતમય જીવન યાત્રા કેવી હતી એ જાણીએ....
ગુજરાતી સુગમ સંગીતના ઓલરાઉન્ડર હતા પુરુષોત્તમ ઉપાધ્યાય
પુરુષોત્તમ ઉપાધ્યાયને ગુજરાતી સુગમ સંગીત ના પ્રથમ પંક્તિના ગાયક કહો કે સંગીત દિગ્દર્શક એ તમામ બિરુદમાં એ ફીટ બેસતા હતા. પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ ખેડા જિલ્લાના ઉત્તરસંડા ખાતે 15, ઓગસ્ટ - 1937ના રોજ થયો હતો. પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીતમાં પ્રદાન બદલ તેઓને 2017માં પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. પોતાની દીર્ઘ સંગીતમય જીવનયાત્રામાં સંગીતના અનેક દોરને જોયા અને એમાં પોતાનું અનેરુ પ્રદાન પણ અંકે કર્યું છે. પુરુષોત્તમ ઉપાધ્યાયની છ દાયકાઓની સંગીતમય જીવનયાત્રામાં તેમણે 30થી વધુ ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે.
કારકિર્દીની શરૂઆતમાં નાટકોમાં અભિનય કર્યો: ગુજરાતી નાટકોને પણ આ સંગીત વિભુતી કળાનો લાભ મળ્યો છે. આજે પણ તેમના ગીતોના ચાહકોમાં લોકપ્રિય અને ટોપ - 10માં છે. આરંભમાં પુરુષોત્તમ ઉપાધ્યાયએ નાટકોમાં અભિનય પણ કરેલો. નાનપણથી જ પુરુષોત્તમ ઉપાધ્યાયને સંગીતમાં સવિશેષ રુચી હતી. શાળાકીય શિક્ષણ દરમિયાન પુરુષોત્તમ ઉપાધ્યાયે અનેક પારિતોષિક અંકે કરેલા હતા. સંગીત પ્રત્યેના લગાવના કારણે તેઓ મુંબઇ ગયા. પુરુષોત્તમ ઉપાધ્યાયને પ્રથમ મંચ ગુજરાતી રંગમંચના દિગ્ગજ અશરફખાનની હાજરીમાં નૂરજહાં ના સ્વરાંકન નું ગીત ગાવાની તક મળી હતી. બસ, આ જ તક થકી પુરુષોત્તમ ઉપાધ્યાયના જીવન વણાંકનું નિમિત્ત બની અને ગુજરાતીઓને મળ્યા તેમના પ્રિય ગાયક અને સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય.
મુંબઈમાં દિગ્ગજોના સથવારે ઉભરી પુરુષોત્તમ ઉપાધ્યાયનું સંગીતમય વ્યક્તિત્વ
પુરુષોત્તમ ઉપાધ્યાયને આરંભમાં મુંબઈ થી વતન ઉત્તરસંડા અને વતનથી મુંબઈના ફેરા ચાલુ રહ્યા હતા. મુંબઈ જ ત્યારબાદ તેમની કર્મભૂમિ બની. આરંભના સમયે મુંબઈમાં જ તેઓ દેશના પ્રખ્યાત કલાકારોના સંપર્કમાં આવ્યા હતા. પુરુષોત્તમ ઉપાધ્યાયએ પોતાની દીર્ઘ કારકિર્દીના આરંભે દિલીપ ધોળકીયા અને અવિનાશ વ્યાસ જેવા મહારથીઓ સાથી કામ કર્યું હતું. તેઓએ અમીરબાઈ કર્ણાટકી, તબલાના શહેનશાહ અલ્લારખ્ખા સાહેબ સાથે સંબંધ બંધાયો હતો. પુરુષોત્તમ ઉપાધ્યાયે મુંબઈના આકાશવાણી કેન્દ્ર સાથે અનેક કાર્યક્રમો કર્યા હતા. મુંબઈમાં જ પુરુષોત્તમ ઉપાધ્યાયે અવિનાશ વ્યાસના નેતૃત્વ હેઠળ તેમના સંગીત કાર્યક્રમોનું સંચાલન કર્યા હતા. પોતાના સંગીતને વધુ ધારદાર અને તેમના સંગીતમાં શાસ્ત્રીયતાને ઉતારવા માટે ઉસ્તાદ નવરંગ નાગપુરકર સાથે પુરુષોત્તમ ઉપાધ્યાયે તાલીમ લીધી હતી. પુરુષોત્તમ ઉપાધ્યાયએ કલ્યાણજી-આણંદજી સાથે પણ કાર્યક્રમો કર્યા છે. દેશના નામાંકિત ગાયકો લતા મંગેશકર, આશા ભોસલે અને મહમંદ રફી સાથે ગીતો ગાયા છે. પુરુષોત્તમ ઉપાધ્યાયને ગુજરાત ગૌરવ પુરસ્કાર સાથે વિશ્વ ગુર્જરી પુરસ્કાર પ્રાપ્ત થયા છે.
પુરુષોત્તમ ઉપાધ્યાય અવિનાશ વ્યાસના માનસપુત્ર ખરા અર્થમાં સાબિત થયા છે
ગુજરાતી ફિલ્મ, ભક્તિ અને સુગમ સંગીતના દિગ્ગજ અવિનાશ વ્યાસના માનસપુત્ર તરીકે પુરુષોત્તમ ઉપાધ્યાયની ઓળખ છે. આમ જોવા જઈએ તો પુરુષોત્તમ ઉપાધ્યાય જ્યાં પણ હોય ત્યાં સંગીતની મહેફિલ જામતી. પુરુષોત્તમ ઉપાધ્યાયએ મહંમદ રફી પાસે દિવસો જુદાઈના જાય છે એ ગીત ગવડાવ્યું હતું. ગઝલ ક્વીન બેગમ અખ્તર પાસેથી પણ પુરુષોત્તમ ઉપાધ્યાયએ જીંદગીનો રસ પીવામાં જલ્દી કરો એ મરિઝની ગઝલ ગવડાવી હતી. પુરુષોત્તમ ઉપાધ્યાયએ તેમની નવ દાયકાની જીંદગી સફરમાં આશરે બે હજાર ગીતોને કંમ્પોઝ કર્યા હતા. પુરુષોત્તમ ઉપાધ્યાયના જાણીતા ગીતોમાં ઓલા માંડવાની જૂઈ, રંગલો જામ્યો કાલિંદીના ઘાટે, મારી કોઈ ડાળખીમાં, કહું છુ જવાનીને, આ નભ ઝુક્યુએ શ્યામજી જેવા અવિનાશી ગીતો આપી ગુજરાતી સુગમ અને ફિલ્મી સંગીતને રળિયાત કર્યું છે.
- 'બિહારની કોકિલા' શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ, PMએ વ્યક્ત કર્યુ દુઃખ
- 'આદિપુરુષ'માં 'શબરી'નું પાત્ર ભજવનાર આશા શર્માનું નિધન - Asha Sharma Passes Away