કેવડિયા:આજે 31 ઓકટોબર એટલે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. જેમની યાદમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે નિમિત્તે આજે કેવડિયામાં ગ્રાન્ડ પરેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જે દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એટલે કે આજરોજ સવારે ગુજરાતના કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર 'રાષ્ટ્રીય એકતા દિવસ' પરેડ નિહાળી હતી.
PM મોદીએ આ દિવસ પર ટ્વીટ કર્યું જેમાં તેમણે જણાવ્યું કે, "ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર મારી શ્રદ્ધાંજલિ. રાષ્ટ્રની એકતા અને સાર્વભૌમત્વની રક્ષા એ તેમના જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા હતી. તેમનું વ્યક્તિત્વ અને કાર્ય દેશની દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે."
આ પ્રસંગે વડાપ્રધાને એકતાનો સંકલ્પ લેવડાવ્યો હતો અને ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.
નવી દિલ્હીના પટેલ ચોક ખાતે ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 1875માં ગુજરાતના નડિયાદમાં જન્મેલા પટેલ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ હતા. તેમના અસાધારણ નેતૃત્વ અને રાષ્ટ્રીય એકીકરણ માટે અતૂટ પ્રતિબદ્ધતા માટે જાણીતા, તેમને "ભારતના લોખંડી પુરુષ" તરીકે યાદ કરવામાં આવે છે.
કેવડિયામાં યોજાયેલ એકતા દિવસ પરેડનું અદભૂત પ્રદર્શન:
કેવડિયામાં યોજાયેલ એકતા દિવસ પરેડમાં નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના ચાર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચીંગ બેન્ડની 16 માર્ચીંગ ટુકડીનો સમાવેશ થાય છે. જેના ખાસ આકર્ષણોમાં NSG હેલ માર્ચ ટુકડી, BSF અને CRPF મહિલા અને પુરુષ બાઇકર્સ દ્વારા ડેરડેવિલ શો, BSF દ્વારા ભારતીય માર્શલ આર્ટ્સના સંયોજન પરનો શો, શાળાના બાળકો દ્વારા પાઇપ બેન્ડ શો અને ભારતીય વાયુસેના દ્વારા 'સૂર્ય કિરણ' ફ્લાયપાસ્ટનો સમાવેશ થાય છે.