મોરબી: 1 ઓક્ટોબરથી ન્યૂનતમ 20 હજાર કમિશન આપવાની જોગવાઇમાં 97 ટકા વિતરણનો નિયમ હટાવવાની માંગ સાથે રાજકોટ સહિત રાજ્યભરના સસ્તા અનાજના વિક્રેતાઓ દ્વારા રાજ્યવ્યાપી હડતાલ શરૂ કરવામાં આવી છે. જેમાં ત્રણ-ત્રણ વખત મંત્રણાઓ પડી ભાંગ્યા બાદ રાજકોટ આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યો છે.
સરકારનો 100 ટકા આધારકાર્ડ મેપિંગનો દાવો: સરકારે 100 ટકા આધારકાર્ડ મેપિંગ કર્યું હોવાનો દાવો કરી રહી છે. ત્યારે 100 ટકા કામગીરી જો સાચા અર્થમાં કરવામાં આવી હોય તો સરકાર અમને સર્ટિફિકેટ આપે તો અમે અમારી હડતાલ અત્યારે જ પૂર્ણ કરવા તૈયાર છે. હકીકતમાં સરકારે 60 ટકા જ કામગીરી કરી હોવાથી અમે 97 ટકા વિતરણ ન કરી શકતા હોવાનું જણાવી સરકારને આડે હાથ લીધી હતી.
PM મોદીના ભાઇએ સરકારની નીતિ સામે ઉઠાવ્યા સવાલ (ETV BHARAT GUJARAT) સસ્તા અનાજના વિક્રેતાઓ સાથે અન્યાય: સસ્તા અનાજના વેપારીઓને સરકાર દર મહિને ન્યૂનતમ રૂપિયા 20 હજાર કમિશન આપવામાં 97 ટકા વિતરણની શરત રાખતા મોટાભાગના સસ્તા અનાજના વિક્રેતાઓને અન્યાય થતો હોવાથી ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન હોલ્ડર એસોસિએશન અને ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના નેજા હેઠળ રાજકોટ સહિત રાજ્યભરના વેપારીઓએ પરમીટ જનરેટ નહીં કરી માલ નહીં ઉપાડવા તેમજ વિતરણ બંધ રાખવા નિર્ણય કર્યો હતો. 1લી ઓક્ટોબરથી હડતાલ શરૂ કરતા સરકારે ત્રણ-ત્રણ વખત વ્યાજબી ભાવના દુકાનદારોના બન્ને સંગઠનના હોદેદારો સાથે બેઠક યોજી હતી. પરંતુ કોઈ નિષ્કર્ષ ન નીકળતા ત્રણેય મંત્રણા પડી ભાંગતા સતત 5 દિવસથી હડતાલ યથાવત છે.
PMના ભાઇનો સરકાર પર આક્ષેપ: બીજી તરફ શનિવારે રાજકોટ આવેલા ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન હોલ્ડર એસોસિએશન પ્રમુખ અને વડાપ્રધાનના ભાઈ પ્રહલાદ મોદીએ સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, સરકારના કારણે જ ગરીબો અનાજથી વંચિત છે. વેપારીઓ 97 ટકા થમ્બ ઇમ્પ્રેશનથી વિતરણ કરે તો જ 20 હજાર કમિશન આપવું તેવો નિયમ બનાવનારા સરકારી બાબુઓ 100 ટકા ફિંગરપ્રિન્ટ લેવામાં આવી છે. તેવું સર્ટિફિકેટ આપતી નથી. જો સરકાર 100 ટકા ફિંગરપ્રિન્ટ લેવાઈ છે. તેવું પ્રમાણપત્ર આપે તો અમે અત્યારે જ હડતાલ સમાપ્ત કરવા તૈયાર હોવાનું તેમને જણાવ્યું હતું.
રાજય સરકાર સાથે 3 બેઠકો નિષ્ફળ: રાજ્ય સરકાર સાથે ત્રણ-ત્રણ બેઠકો નિષ્ફ્ળ નીવડ્યા બાદ આગામી સોમવારે સરકારે ફરી સસ્તા અનાજના વેપારીઓના સંગઠનના હોદે્દારોને મંત્રણા માટે બોલાવ્યા છે. ત્યારે પ્રહલાદ મોદીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, હવે સરકાર લેખિતમાં મંત્રણા માટે બોલાવે તો જ જવું છે. ગુજરાતી કહેવત છે કે 'કૂવામાં હોય તો અવેડામાં આવે' તે મુજબ સરકારે 100 ટકા ફિંગરપ્રિન્ટની કામગીરી જ કરી નથી. ત્યારે અમારી પાસેથી 97 ટકાની અપેક્ષા રાખે તે કેટલુ વ્યાજબી હોવાનું જણાવી આગામી દિવસોમાં હડતાળને વધુ ઉગ્ર બનાવવાનું જાહેર કર્યું હતું.
આ પણ વાંચો:
- હત્યાના કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા, અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સનો ચુકાદો, જાણો શું હતો મામલો - SESSION COURT JUDGMENT
- ધરમપુરમાં સેવા સેતુ કાર્યક્રમમાં 'સેવા'નો અભાવ, 27 ગામનો અરજદારો અટવાયા - Sewasetu program held in Dharampur