નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશની સુરક્ષાને પડકારનારા દરેક આતંકવાદી સંગઠનને 'સણસણતો જવાબ' આપવાનું વચન આપ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે, ભારતના બંધારણનું આ 75મું વર્ષ સમગ્ર દેશ માટે ખૂબ જ ગૌરવનો દિવસ છે. આજે હું ભારતના બંધારણ અને બંધારણ સભાના તમામ સભ્યોને આદરપૂર્વક વંદન કરું છું.
તેમણે કહ્યું કે, "આજે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની વર્ષગાંઠ પણ છે, હું તેમને શ્રદ્ધાંજલિ આપું છું. હું દેશના સંકલ્પને પુનરાવર્તિત કરવા માંગુ છું - ભારતની સુરક્ષાને પડકારનારા તમામ આતંકી સંગઠનોનો સણસણતો જવાબ મળશે."
આતંકવાદીઓ દરિયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશ્યા હતા
વડા પ્રધાને બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટમાં તેમના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, 2008 માં આ જ દિવસે, પાકિસ્તાનથી 10 લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ દરિયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશ્યા હતા અને તાજમહેલ પેલેસ હોટેલ, ઓબેરોય ટ્રાઈડેન્ટ હોટેલ, સીએસટી રેલવે સ્ટેશન અને નરીમન હાઉસ સહિત અનેક હાઈ-પ્રોફાઈલ સ્થળો પર હુમલો કર્યો હતો. ભારતની ધરતી પરના સૌથી મોટા આતંકવાદી હુમલામાં 166 લોકોએ જીવ ગુમાવ્યા અને 300થી વધુ લોકો ઘાયલ થયા.
PM એ કહ્યું, "આપણા બંધારણના ઘડવૈયાઓ જાણતા હતા કે ભારતની આકાંક્ષાઓ, ભારતના સપના સમય સાથે નવી ઊંચાઈઓ પર પહોંચશે... તેઓ જાણતા હતા કે સ્વતંત્ર ભારત અને ભારતના નાગરિકોની જરૂરિયાતો બદલાશે, પડકારો બદલાશે. તેથી જ તેમણે આપણા બંધારણને માત્ર કાયદાના પુસ્તક તરીકે છોડ્યું ન હતું... પરંતુ તેને જીવંત, સતત વહેતા પ્રવાહ બનાવ્યો હતો."
પીએમ મોદીએ 1975ની ઈમરજન્સીનો ઉલ્લેખ કર્યો
પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને 1975માં જાહેર કરાયેલી ઈમરજન્સીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, "આપણે દેશમાં ઈમરજન્સી જોઈ છે - આપણા બંધારણે લોકશાહી સામેના આ પડકારનો સામનો કર્યો છે. આ બંધારણની તાકાત છે કે આજે બાબા સાહેબ આંબેડકરનું બંધારણ જમ્મુ અને કાશ્મીરમાં સંપૂર્ણ રીતે લાગુ થઈ રહ્યું છે. આજે પ્રથમ વખત ત્યાં (જમ્મુ અને કાશ્મીરમાં) "બંધારણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે."
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "આજે લોકોને નળમાં પાણી મળવું સહેલું લાગે છે, પરંતુ આઝાદીના 75 વર્ષ પછી પણ માત્ર 3 કરોડ ઘરોમાં જ આ સુવિધા હતી... બંધારણની મૂળ નકલમાં ભગવાન રામ, માતા સીતા... ના ચિત્રો છે. તેમણે કહ્યું, "ભારતીય સંસ્કૃતિના ચિહ્નો ત્યાં છે જેથી તે આપણને માનવીય મૂલ્યોની યાદ અપાવી શકે. આ માનવીય મૂલ્યો આજના ભારતની નીતિઓ અને નિર્ણયોનો પાયો છે."
આ પણ વાંચો:
- 'જે દલિતોની વાત કરશે...' સંવિધાન દિવસ કાર્યક્રમમાં માઈક બંધ થવા પર બોલ્યા રાહુલ ગાંધી
- છત્તીસગઢનું એક એવું ગામ જે નક્સલીઓના કારણે થઈ ગયું વેરાન, હવે આવી છે ગામની સ્થિતિ