અમરેલી:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે હતા. અહીં તેમણે પહેલા વડોદરામાં એરક્રાફ્ટના યુનિટનું સ્પેનના PM સાથે સંયુક્ત ઉદ્ઘાટન કર્યું. આ બાદ તેઓ અમરેલી પહોંચ્યા હતા. અહીં તેમણે 4800 કરોડની વિવિધ યોજનાઓનું શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન PM મોદીએ અમરેલીની ધરતી પરથી તેનો ઈતિહાસ, પાણી માટે ગુજરાતની અગાઉની સ્થિતિ વિશે વાત કરી હતી. આ સાથે જ તેમણે બે દિવસ બાદ ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું. દરમિયાન તેમણે આગામી સમયમાં ગુજરાતના બંદરોને દેશના બંદરો સાથે જોડવાના પોતાના પ્લાન અંગે પણ વાત કરી હતી.
'આપણું અમરેલી પણ ગાયકવાડનું અને વડોદરા પણ ગાયકવાડનું'
PM મોદીએ કહ્યું કે, આ સમય મંગળ કાર્યોનો સમય છે, એક તરફ સંસ્કૃતિનો ઉત્સવ અને બીજી બાજુ વિકાસનો ઉત્સવ. આ જ ભારતની નવી તાસીર છે. વિરાસત અને વિકાસ, સહિયારો ચાલી રહ્યો છે. આજે ગુજરાતના વિકાસને સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવાનો મને અવસર મળ્યો છે. અહીં આવતા પહેલા હું આજે વડોદરામાં હતો અને ભારતની પહેલી એવી એક ફેક્ટરીનું ઉદ્ધાટન થયું અને તે આપણા ગુજરાતમાં, આપણા વડોદરામાં. અને આપણું અમરેલી પણ ગાયકવાડનું અને વડોદરા પણ ગાયકવાડનું. આ ઉદ્ઘાટનમાં આપણી વાયુસેના માટે 'મેડ ઈન ઈન્ડિયા' હવાઈ જહાજ બનાવવાની ફેક્ટરીનું ઉદ્ધાટન હતું. અને અહીં આવીને ભારત માતા સરોવરના લોકાર્પણનો અવસર મળ્યો. અહીં મંચ પરથી પાણીના, રોડના, રેલવેના અનેક દુર્ગામી લાભ પહોંચાડનારા પ્રોજેક્ટ્સના શિલાન્યસ અને લોકાર્પણ થયા. આ બધા પ્રોજેક્ટ્સ સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોના જીવનને સરળ બનાવનારા પ્રોજેક્ટસ છે અને વિકાસને નવી ગતિ આપનારા પ્રોજેક્ટ્સ છે.
યોગીજી મહારાજ, કવિ કલાપી, રમેશ પારેખને યાદ કર્યા
PMએ કહ્યું.આ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યસ ખેડૂતોની ભલાઈ માટે, નવયુવાનો માટે રોજગારના અવસરોનું પણ આ શિલાન્યાસ છે. અમરેલીનો ઔતિહાસિક, સાંસ્કૃતિક, સાહિત્યિક અને રાજનીતિક દરેક પ્રકારે ગૌરવશાળી ભૂતકાળ રહ્યો છે. આ તે જ ભૂમિ છે, જેણે યોગીજી મહારાજ આપ્યા. આ એ જ ભૂમિ છે જેણે ભોજા ભગત પણ આપ્યા અને ગુજરાતના સાર્વજનિક જીવનમાં કોઈ સાંજ એવી ન હોય કે ગુજરાતના કોઈને કોઈ ખૂણામાં દુલા ભાયા કાગને કોઈ યાદ ન કરતું હોય. એક ડાયરો એવો ન હોય, એવી કોઈ લોકસાહિત્યની વાત ન હોય, જેમાં કાગ બાપુની ચર્ચા ન હોય. આ જ માટી જેણે આજે પણ વિદ્યાર્થી કાર્યથી લઈને જીવનના અંત સુધીના કાળમાં 'રે પંખીડા સુખથી ચણજો' કવિ કલાપીની યાદ અને કદાચ કલાપીનો આત્મા જ્યાં હશે ત્યાં, તેમને આજે સંતોષ હશે કે પાણી આવ્યું છે તો પંખીડા માટે 'રે પંખીડા સુખથી ચણજો' એના હવે દિવસો સોનેરી બન્યા છે. અમરેલી એટલે આ તો જાદુઈ ભૂમિ, કે.લાલ પણ અહીંથી આવે. આધુનિક કવિતાના સીરમોર અમારા રમેશભાઈ પારેખ. ડગલેને પગલે તેમની યાદ આવે. ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતા એ પણ આ જ ધરતીએ આપ્યા.
પાણીની સમસ્યા દૂર કરવા 80-20ની જનભાગીદારી કરી
વડાપ્રધાને આગળ કહ્યું, ગુજરાતમાં જ્યારથી ભાજપની સરકાર બની ત્યારથી આપણે પાણીને પ્રાથમિક્તા આપી છે. 80-20ની સ્કીમ કરીને જનભાગીદારી કરી. ચેકડેમ બનાવો, ખેત તલાવડી બનાવો, તળાવ ઊંડા કરો, જળ મંદિર બનાવો, વાવડીઓ ખોદો. મને યાદ છે જ્યારે મુખ્યમંત્રી તરીકે અખિલ ભારતીય મીટિંગમાં જતો અને ત્યાં અમારા ગુજરાતમાં બજેટનો મોટો ભાગ અમારે પાણી માટે ખર્ચવો પડે છે. ત્યારે અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ મારી સામે જોઈ રહેતા હતા. મેં તેમને કહ્યું કે, મારા ગુજરાતમાં એટલા બધા પાણીદાર લોકો છે, એકવાર જો પાણી મળી જાય તો મારું આખું ગુજરાત પાણીદાર થઈ જાય. આ તાકાત મારા ગુજરાતમાં છે. અને 80-20ની સ્કીમમાં લોકો જોડાયા, સમાજ, ગામડા બધાએ ભાગીદારી કરી.
નર્મદા નદીથી 20 નદીઓ જોડી
તેમણે કહ્યું કે, આપણે નર્મદા નદીથી 20 નદીઓનો જોડી હતી. અને નદીઓમાં નાના-નાના તળાવો બનાવવાની આપણી કલ્પના હતી. જેથી માઈલો સુધી પાણીને આપણે સાચવી શકીએ. પાણી જમીનમાં ઉતરે એટલે પછી, અમી આવ્યા વગર રહે જ નહીં. પાણીનું મહત્વ શું હોય છે, તે ગુજરાત, સૌરાષ્ટ્ર કે કચ્છના લોકોને ભણાવવું ન પડે. તેની સમસ્યા તેને બરાબર ખબર છે. એ સમય આપણને યાદ છે પાણીને અભાવે આખું સૌરાષ્ટ્ર-કચ્છ પલાયન કરતું હતું અને શહેરોમાં એક-એક ઓરડીમાં 8-8 લોકો રહે અને ગુજારો કરવા મજબૂર થતા હતા. આપણે એ દિવસો જોયા છે. આપણે આજે પાણી માટે કામ કર્યું અને જળશક્તિ મંત્રાલય દેશમાં પહેલીવાર બનાવ્યું. આજે આ બધા પુરુષાર્થના કારણે સ્થિતિઓ બદલાઈ છે.
નર્મદા માતા ગામે-ગામે પરિક્રમા કરીને પુન્ય અને પાણી બંને વહેંચે છે
નર્મદા નદી પર વાત કરતા કહ્યું, મને યાદ છે એક સમય હતો, નર્મદાની પરિક્રમા કરીએ તો પુન્ય મળે. યુગ બદલાયો, માતા નર્મદા ખુદ પરિક્રમા કરીને ગામડે ગામડે પુન્ય અને પાણી બંને વહેંચી રહી છે. સરકારની જળ સંચયની યોજનાઓ, સૌની યોજના પહેલીવાર લોન્ચ કરી ત્યારે કોઈ માનવા તૈયાર નહોતું કે આવું થતું હશે. પણ સૌની યોજનાએ કચ્છ-સૌરાષ્ટ્રને નવું જીવન આપી દીધું. હું જ્યારે દેશના લોકોને કહેતો કે હું એટલી મોટી પાઈપ લગાવી રહ્યો છું કે તમે મારુતિ કાર લઈને પાઈપમાં નીકળી શકો, ત્યારે લોકોને અચરજ થતું હતું આજે ગુજરાતના ખૂણે ખૂણે આવી પાઈપો લગાવેલી છે, જે પાણી લઈને નીકળે છે. આ કામ ગુજરાતે કર્યું છે.