વડોદરા: વડોદરા શહેરના દશામાંની મૂર્તિ વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા માંજલપુર વિસ્તારમાં કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું. જેમાં ગઈકાલે વિસર્જન દરમિયાન થોડીક જ દશામાની મૂર્તિમાં આ કુત્રિમ તળાવ છલોછલ ભરાઈ ગયું હતું. જેને લઈને ભક્તોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ વ્યાપ્યો હતો. માતાજીની આવી અવદશાને પગલે સવાર પડતા જ માંજલપુરમાં ભક્તોએ એકત્રિત થઈ ભાજપા હાય...હાય... ના વિરોધ નારા લગાવ્યા હતા.
તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા: પરંતુ માહોલ ગરમાતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. જ્યારે ભાજપાના દંડક શૈલેષ પાટીલે ટ્રાયલ બેઝ ઉપર કહીને છટક બારી શોધતા તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવી આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. મહત્વનું છે કે ભક્તોની આસ્થા સાથે ખિલવાડ કરતાં તંત્રની કામગીરી સાવ ઊણી ઉતરી છે. એટલું જ નહીં પરંતુ હજી સૂકા ગાળામાં જ ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે આવી જ પરિસ્થિતિ સર્જાશે ? જે ચર્ચાએ વડોદરા શહેરમાં ભારે વેગ પકડ્યો છે.
શ્રદ્ધાળુઓએ પાલિકા સામે રોષ ઠાલવ્યો: વડોદરામાં દશામાના વ્રતના 10 દિવસ પૂર્ણ થતા આજે વહેલી સવારથી દશામાંની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. વિસર્જન દરમિયાન વડોદરા કોર્પોરેશન દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતાં શ્રદ્ધાળુઓની આસ્થા સાથે રમત રમવામાં આવી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. શહેરમાં મૂર્તિ વિસર્જન કરવા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડમાં જગ્યા જ નથી. કૃત્રિમ કુંડની ક્ષમતા કરતા મૂર્તિઓ વધુ આવી જતા કેટલાંક શ્રદ્ધાળુઓએ પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો. અને મૂર્તિ પરત લઇ ગયા હતા. માંજલપુરમાં બનાવેલો કૃત્રિમ કુંડ દશામાની મૂર્તિથી ઉભરાય ગયો હતો. મૂર્તિના થપ્પા લાગી જતા શ્રદ્ધાળુઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
વહીવટી તંત્રની લોકોની આસ્થા સાથે રમત?: દશામાનુ વ્રત આવે ત્યારે ભક્તો પોતાની માતાને રીઝવવા માટે દસ દિવસ ઉપવાસ કરીને ભારે શ્રદ્ધાભેર માતાની આગતા સ્વાગતા કરી ભારે ઉલ્લાસથી માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું હોય છે. ત્યારે વડોદરા કોર્પોરેશનની પોલ ખુલી છે. વડોદરા શહેરના માંજલપુર અને હરણી તળાવમાં કરેલી વ્યવસ્થામાં પાલિકા નિષ્ફળ નીવડી છે. કોર્પોરેશનને પહેલેથી જ ખબર છે કે હજારોની સંખ્યામાં દશામાની મૂર્તિઓનું સ્થાપન થાય છે. તો પછી યોગ્ય વ્યવસ્થા શા માટે નહીં? શા માટે લોકોની આસ્થા સાથે રમત? ક્ષમતા કરતાં વધુ મૂર્તિઓ આવતા પાલિકાની પોલ ખુલી પડી છે, આવાં અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.